મંદિરે દર્શન કરવા ગયેલા યુવક પર પાઇપથી હુમલો
અંદરોઅંદર ઝઘડો કરતા યુવકોને પૂછવા જતા માર માર્યો
વડોદરા,મંદિર પાસે ઝઘડો કરતા યુવકોને પૂછવા ગયેલા યુવક પર પાઇપથી હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આજવા રોડ અંબિકા દર્શન સોસાયટીમાં રહેતો રૃષિત ભરતકુમાર જયસ્વાલ પાણીના જગનો વેપાર કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે મોડી રાતે પોણા બાર વાગ્યે હું તથા મારો મિત્ર કલ્યાણસિંહ ચૌહાણ સયાજી પાર્ક ચાર રસ્તા પાસે ભૂત મામાની ડેરી પાસે પૂજા કરતા હતા. મંદિરની બાજુમાં બોલાચાલી થતી હતી. જેથી, મેં ત્યાં જઇને જોતા એકતા નગરમાં રહેતો શિવો, વિશાલ સોલંકી તથા તેનો મિત્ર અંદરોઅંદર ઝઘડો કરતા હતા. મેં તેઓને પૂછ્યું કે શું થયું ? તું તારૃં કામ કર તેવું કહીને શિવાએ ગાળો બોલી હુમલો કરી માથા પર ઇજા પહોંચાડી હતી. વિશાલને પટ્ટા વડે માર માર્યો હતો. તેઓએ મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. દરમિયાન ટોળું ભેગું થઇ જતા હું ભાગી ગયો હતો.