ક્રેનના હિસાબની તકરારમાં યુવક પર લાકડીથી હુમલો
આરોપીઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપી
વડોદરા,ક્રેનના બાકી પડતા હિસાબના નાણાંના મુદ્દે યુવક પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્રણ આરોપીઓ સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલ સામે નારાયણ કોમ્પલેક્સમાં રહેતો માધવ અજીતભાઇ સોરઠિયા અંબિકા કન્સટ્રક્શન નામની કંપની ચલાવે છે. તેણે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પિતા ભારત કન્સટ્રક્શન નામની કંપની ચલાવે છે. વર્ષ - ૨૦૨૧ માં મકરપુરાની ગાયત્રી કૃપા સોસાયટીમાં રહેતા કે.સી.શર્માની ક્રેન મારા પિતાની નર્મદા જિલ્લાના નેત્રંગ ખાતે ચાલતી હતી. તેના હિસાબ બાબતે તેઓને મારા પિતા સાથે મનદુખ ચાલતું હતું. ગત તા.૨૦ મી એ હું મારી કાર લઇને મારા ઘરેથી નીકળી ગાયત્રી કૃપા સોસાયટીની સામે આવેલી અમિત ઇલેક્ટ્રિકલ્સ નામની કંપનીમાં મોટર લેવા ગયો હતો. તે દરમિયાન વિનય મુકેશભાઇ શર્મા, તેના પિતા મુકેશભાઇ શર્માતથા વિનયના કાકા મનોજભાઇ શર્મા આવ્યા હતા. તેઓએ ક્રેનના હિસાબ બાબતે મારી સાથે ઝઘડો કરી લાકડીથી માર માર્યો હતો. બીજી વખત અમારા વિસ્તારમાં આવ્યો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી તેઓ નીકળી ગયા હતા.