વડોદરા પાસે યુવાનને આંતરી ચાર શખ્સોએ ધોકાથી હુમલો કરી દીધો
બે વર્ષ અગાઉ કરેલા પોલીસ કેસની અદાવત રાખીને
પરઢોલના ગંભીર ઘાયલ યુવાનને સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાયો : ડભોડા પોલીસે ગુનો દાખલ કર્યો
દહેગામ નરોડા રોડ
ઉપર આવેલા દસકોઈ તાલુકાના પરઢોલ ગામમાં રહેતા યુવાન મહેન્દ્ર રણછોડજી ઠાકોરે
ફરિયાદ નોંધાવી હતી કે, તે
રખિયાલમાં રેડીમેડ કપડાની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન કરી રહ્યો છે. બે વર્ષ
અગાઉ તેના ઘર પાસેથી બાઈક ઝડપથી ચલાવવા મુદ્દે ગામના વિજય બાબુજી ઠાકોર સાથે તકરાર
થઈ હતી અને જે અંગે પોલીસ કેસ કર્યો હતો ત્યારે ગઈકાલે સાંજના સમયે તે રખિયાલની
દુકાનેથી પરત ફરી રહ્યો હતો તે દરમિયાન વડોદરા પાટિયાથી ગલુદણ જતા રોડ ઉપર શિવનગર
કંપા પાસે રાત્રે ૮થ૦૦ વાગ્યાના સુમારે પરઢોલ ગામના વિજય બાબુજી ઠાકોર, સંજય પોપટજી
ઠાકોર,રાહુલ
ભરતજી ઠાકોર અને પવન રમતોજી ઠાકોર બાઈક લઈને આવ્યા હતા.
આ દરમિયાન વિજયે કહ્યું હતું કે,તે મારી ઉપર કેસ
કેમ કર્યો છે. તેમ કહી હાથમાં રહેલી લાકડીઓ વડે હુમલો કરી દીધો હતો અને ત્યારબાદ
તબક્કાવાર અન્ય શખ્સોએ પણ ધોકાથી માર માર્યો હતો. આ મારામારીની ઘટનાને પગલે
બુમાબુમ થતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. જેથી આ શખ્સો ત્યાંથી જાનથી મારી
નાખવાની ધમકી આપીને નાસી છૂટયા હતા. બીજી બાજુ ઘાયલ યુવાનને ૧૦૮ એમ્બ્યુલન્સ
મારફતે સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેના બંને
પગમાં ફ્રેક્ચર હોવાનું નિદાન થયું હતું.
હાલ આ સંદર્ભે ડભોડા પોલીસ દ્વારા આ ચારેય શખ્સો સામે ગુનો દાખલ કરીને
તેમની ધરપકડ માટે મથામણ શરૃ કરવામાં આવી છે.