પેલેસ રોડ લક્ષ્મી વિલાસ પેલેસના ફૂટપાથ પર સૂતા શ્રમજીવી પર યુવકે કાર ચઢાવી દીધી
શ્રમજીવીનું મોત : કાર ચાલકને પણ ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
વડોદરા,હિન્દી ફિલ્મ જોલી એલએલબી જેવો કિસ્સો શહેરમાં બન્યો છે.પેલેસ રોડ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની સામે ફૂટપાથ પર સૂતા અને ભીખ માંગીને જીવન ગુજારતા શ્રમજીવી પર મોડીરાતે એક કાર ચાલકે કાર ચઢાવી દેતા તેનું મોત થયું હતું. કાર ચાલક પણ ઇજાગ્રસ્ત હોઇ તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.
શહેરમાં છૂટક મજૂરી અને ભીખ માંગીને ગુજરાન ચલાવતા લોકો પાસે રહેવા માટે ઘર નહીં હોવાથી તેઓ રાતે પેલેસ રોડ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની સામે લક્ષ્મી વિલાસ પેલેસની દીવાલને અડીને આવેલા ફૂટપાથ પર સૂઇ જાય છે. રાતે સવા દશ વાગ્યે એક કાર લાલબાગ બ્રિજ તરફથી પૂરઝડપે આવી હતી. કાર ચાલકનો સ્ટીયરિંગ પર કાબૂ નહીં રહેતા તેણે કાર ફૂટપાથ પર ચઢાવી દીધી હતી. ફૂટપાથ પર સૂતા એક વૃદ્ધ શશીકાંતભાઇ ( ઉં.વ.૬૦) ને કચડીને કાર થોડે દૂર આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માત કર્યા પછી કાર ચાલક નીચે ઉતર્યો હતો. દરમિયાન લોકોનું ટોળું ભેગું થઇ જતા કાર નીચે કચડાઇ ગયેલા શશીકાંતભાઇને એમ્બ્યુલન્સમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, તેનું મોત થયું હતું. અકસ્માત કરનાર કાર ચાલકને પણ ઇજાઓ થઇ હોવાથી તેને પણ સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. બનાવ અંગે ફૂટપાથ પર રહેતા જૂનાગઢના મૂળ વતની મુકેશભાઇ જયેશભાઇ માળીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મહિલા પી.એસ.આઇ. આર.સી.તડવીએ કાર ચાલક આરોપી અંકુર સંતોષભાઇ નિબાંલકર ( રહે. ચોખંડી) સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી હજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોઇ તેની ધરપકડ બાકી છે. આરોપીએ દારૃનો નશો કર્યો નહતો. પરંતુ, અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા અકસ્માત થયો હતો.