અમદાવાદના યુવાનનો સયાજીગંજની હોટલમાં ફાંસો ખાઇને આપઘાત,
અંતિમ ચિઠ્ઠીમાં માતા - પિતાની માફી માંગી તમામ પરિવારજનોના કોન્ટેક્ટ નંબરો લખ્યા હતા
વડોદરા,સયાજીગંજ વિસ્તારના હોટલમાં રોકાયેલા અમદાવાદના યુવાને હોટલની રૃમની બારી પર દોરડા વડે લટકી જઇ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવાને અંતિમ ચિઠ્ઠીમાં આવું પગલું ભરવા બદલ માતા - પિતાની માફી માંગી પોતાના માથે કોઇ દેવું નહીં હોવાનું જણાવ્યું હતું.
અમદાવાદ સરદાર નગર રમેશ દત્ત કોલોનીમાં રહેતા હેમંત નારાયણપુરી ગોસ્વામી ( ઉં.વ.૩૯) ત્રણ દિવસ પહેલા સયાજીગંજ અપ્સરા હોટલના રૃમ નંબર - ૭ માં રોકાયો હતો. સવારે રૃમ સર્વિસ બોય આવ્યો હતો. તેણે બારણું ખખડાવ્યું પણ હેમંતે દરવાજો ખોલ્યો નહતો. રૃમ સર્વિસ બોયને લાગ્યું કે, હેમંત મોડી રાત સુધી જાગતો હતો. જેથી, તે ઊંઘતો હશે. હેમંતને ડિસ્ટર્બ નહીં કરવાનું વિચારી તે જતો રહ્યો હતો. પરંતુ, સાંજ સુધી રૃમમાંથી કોઇ હિલચાલ નહીં જણાતા હોટલના સ્ટાફે બારીમાંથી જોયું તો હેમંતે રૃમની બારીના સળિયા સાથે દોરડું બાંધીને ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે સયાજીગંજ પોલીસને જાણ કરવામાં આવી હતી. સયાજીગંજ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.વી. પાટિલે સ્થળ પર જઇને તપાસ હાથ ધરતા હેમંતના પેન્ટના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેણે પત્ની, પુત્રના નામ અને નંબર લખ્યા હતા.તેણે આવું પગલું ભરવા બદલ માતા - પિતાની માફી માંગી હતી. તેણે લખ્યું હતું કે, મારા પર કોઇ દેવું નથી. આ પગલું ભરવા પાછળ કોઇનો હાથ નથી. મને માફ કરજો. તેણે પોતાના પરિવારના તમામ સભ્યોના નામ અને નંબરો લખ્યા હતા.
જેના આધારે પોલીસે તેના પરિવારનો સંપર્ક કરતા તેઓ વડોદરા આવી પહોંચ્યા હતા. પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે, હેમંત પાસે છેલ્લા કેટલાક સમયથી કોઇ કામ ધંધો નહતો.પરંતુ, તેને આર્થિક સંકડામણ પણ નહતી. આવું પગલું તેણે કેમ ભર્યુ તે જાણી શકાયું નથી. પરંતુ, બેકારીના કારણે તેણે આ પગલું ભર્યુ હોવાની શક્યતાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
મોબાઇલ વેચીને મળેલા રૃપિયાથી રૃમ ભાડે લીધો
વડોદરા,હેમંત પાસે એકપણ રૃપિયો નહતો. પરિવારનું માનવું છે કે, તેણે પોતાનો મોબાઇલ ફોન વેચીને મળેલા રૃપિયાથી હોટલની રૃમ ભાડે લીધી હશે. તેનો પુત્ર છેલ્લા ચાર દિવસથી પિતાનો કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ,મોબાઇલ ફોન સ્વીચ ઓફ હતો. હેમંતનો પુત્ર નોકરી કરે છે. જ્યારે તેની પુત્રી અભ્યાસ કરે છે.
અઢી વર્ષ પહેલા પણ ઘર છોડીને જતો રહ્યો હતો
વડોદરા, અઢી વર્ષ પહેલા પણ હેમંત ઘર છોડીને જતો રહ્યો હતો. થોડા દિવસ પછી તે જાતે જ ઘરે પરત આવી ગયો હતો. જેથી, આ સમયે ઘર છોડીને ગયા પછી પરિવારે પોલીસને જાણ કરી નહતી. પરિવારને એવું હતું કે, ગયા વખતની જેમ આ વખતે પણ હેમંત જાતે જ ઘરે પરત આવી જશે. પરંતુ, તેણે વડોદરાની હોટલમાં આપઘાત કરી લીધો હતો.