ગરીબ પરિવારના યુવકને આર્મીમાં નોકરી મળતા સમાજ દ્વારા ભવ્ય સ્વાગત
વડોદરામાં સામાન્ય પરિવારના રાવળ સમાજના પનોતા પુત્રએ ભારતીય સેનાની પરીક્ષા અને ટેકનિકલ ટ્રેનીંગ સફળતાપૂર્વક પૂરી કરીને આર્મીમાં એન્ટ્રી મેળવી છે. સલાટવાડાના નવા ઘર મહોલ્લામાં રાવલ સમાજના પુત્રના ભવ્ય સ્વાગતનો કાર્યક્રમ યોજાયો હતો. વડોદરામાં માંજલપુર ખાતે ખાનગી ગેરેજમાં નોકરી કરતા પિયુષભાઈ રાવળના એકમાત્ર દીકરો દેવ રાવળ ધો. ૧૦ સુધી ભણીને અઢી વર્ષ સુધી ટેકનિકલ જ્ઞાન મેળવ્યું હતું.
સાથે સાથે ખાનગી કંપની દ્વારા ઇન્ડિયન આર્મીમાં ટેકનિકલ પરીક્ષા માટે ફોર્મ ભર્યું હતું. ભારતીય સેનામાં આર્મીની મિકેનિકલ પરીક્ષા પાસ થતા અને ટ્રેનીંગ પોતાના દમ પર સફળતાપૂર્વક પૂરી કરીને ભારતીય સેનામાં પ્રવેશ મેળવ્યો હતો.
રાવળ સમાજના મધ્યમ વર્ગના પરિવારમાંથી દેવ રાવલ પરીક્ષાની સફળતા બાદ છ મહિના સુધી ઔરંગાબાદ ખાતે ટ્રેનિંગ મેળવી હતી. ત્યારબાદ ભોપાલ ખાતે ત્રણ મહિનાની ટ્રેનિંગ મેળવીને હવે વડોદરા આવ્યો છે ત્યારે રાવલ સમાજના અગ્રણીઓ એકત્ર મોટી સંખ્યામાં લોકોએ તેનું ભાવ ભર્યું સ્વાગત કર્યું હતું.
આગામી તા. ૧૮મીએ રાત્રે ટ્રેન દ્વારા દિલ્હી જનાર દેવ રાવલ ની ભારતીય સેનાની ફરજમાં એન્ટ્રી થશે. નાનપણથી જ દેશ સેવાની જગત ધરાવતો દેવ રાવળ કાયમ ખૂબ મહેનત કરતો હતો અને દેશ સેવા માટે જાનની બાજી લગાવી દેવા હંમેશા તત્પર રહેતો હતો.
વડોદરા આવી પહોંચેલા દેવ રાવળનું તેના સમાજ દ્વારા શણગારેલા ઘોડા પર વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ઢોલ-નગારાના તાલે નાચ ગાન કરતા સૌ મહોલ્લામાં પ્રવેશ્યા હતા. ખુશીના માહોલમાં ભાગ લેતા સૌ કોઈએ મહોલ્લામાં પોતપોતાના ઘર પણ રંગાવ્યા હતા.