mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

શેરથા પાસે ટ્રકની અડફેટે બાઈક સવાર સાયન્ટીસ્ટ યુવાનનું મોત

Updated: May 24th, 2024

શેરથા પાસે ટ્રકની અડફેટે બાઈક સવાર સાયન્ટીસ્ટ યુવાનનું મોત 1 - image


માર્ગો ઉપર વધતા જતા અકસ્માતો વચ્ચે

રાયસણના ઘરેથી મેડાઆદરજ ખાતે કંપનીમાં જઈ રહ્યા હતા તે સમયે અકસ્માતની ઘટના પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ આસપાસના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગઈકાલે સવારના સમયે અડાલજ કલોલ હાઇવે ઉપર શેરથા પાસે ટ્રકની અડફેટે બાઈક સવાર સાયન્ટિસ્ટ યુવાનનું મોત થયું છે. જે સંદર્ભે અડાલજ પોલીસ દ્વારા ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

પાટનગર ગાંધીનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના બનાવ વધી રહ્યા છે અને તેની સાથે આસપાસના માર્ગો પણ હાલ અકસ્માતઝોન બની ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે શહેર નજીક આવેલા અડાલજ કલોલ હાઇવે માર્ગ ઉપર વધુ એક અકસ્માતમાં યુવાનનું મોત થયું છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે રાયસણ ખાતે આવેલી પ્રમુખ એલીગન્સ વસાહતમાં રહેતા શ્રુતિકાંત સુધાકર નાયક મેડાઆદરજ ખાતે આવેલી ખાનગી કંપનીમાં સિનિયર સાયન્ટિસ્ટ તરીકે કામ કરતા હતા. જ્યારે તેમની પત્ની સરગાસણની ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે કામ કરે છે જ્યારે પરિવારમાં ચાર વર્ષની પુત્રીનો પણ સમાવેશ થાય છે ગઈકાલે શ્રતિકાંત તેમનું બાઈક લઈને કંપની ઉપર જઈ રહ્યા હતા તે દરમિયાન અડાલજ કલોલ હાઇવે ઉપર શેરથા પાસે પૂર ઝડપે જઈ રહેલા ટ્રક ચાલકે તેમના બાઇકને અડફેટે લેતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બીજી બાજુ અકસ્માતની આ ઘટના અંગે તેમના મિત્રો દ્વારા તેમની પત્ની કેથેલીનને જાણ કરવામાં આવતા તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યારબાદ આ ઘટના અંગે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરાવ્યો હતો.

Gujarat