સ્ટેશન નજીક મધરાતે પોલીસ અને લારીવાળા વચ્ચે ઝપાઝપી,લારીવાળાને 100 મીટર સુધી વાન સાથે ઢસડ્યો
વડોદરાઃ વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-૭ની બહાર ગઇ મધરાતે આમલેટની લારી ધરાવતા યુવક અને સયાજીગંજ પોલીસની વાનના ત્રણ કર્મચારી વચ્ચે ઝપાઝપી થતાં લારીવાળો વાનની બોનેટ પર ચડી જતાં દૂર સુધી ઢસડાયો હતો.જેથી તેને ગંભીર ઇજાઓ પહોંચી છે.આ અંગે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઇ છે.
સયાજીગંજનાએલઆરડી મો.મુબશશિર મો.સલીમે ફરિયાદમાં કહ્યું છે કે,પીસીઆર વાનમાં મારી સાથે એલઆરડી રઘુવીર ભરતભાઇ અને કોન્ટ્રાક્ટના ડ્રાઇવર કિશન પરમાર હતા.રાતે ૧૧.૩૦ વાગે લારીઓ બંધ કરાવી હતી.પરંતુ ત્યારપછી પણ રાતે ૨વાગે કેટલીક લારીઓ ચાલુ હોવાથી બંધ કરાવવા ગયા હતા.આ વખતે મો.ફૈઝાન અમિરૃદ્દીન શેખે (કાલુમીયાની ચાલી,પરશુરામ ભઠ્ઠા,સયાજીગંજ) પોલીસ છો તો શું કરી લેશો,કેમ બંધ કરાવો છો..તેમ કહી ગાળો ભાંડતો હોવાથી તેને સભ્યતા રાખવા કહ્યું હતું.
દરમિયાનમાં તે તમને જોઇ લઇશ,કેવી રીતે નોકરી કરોછો..તેમ કહી ચાલુ વાનના બોનેટ પર ચડી ગયો હતો અને નીચે પડી ગયો હતો.જેથી મો.ફૈઝાન સામે પોલીસે સરકારી કામમાં રૃકાવટ અને હુમલાનો ગુનો નોંધ્યો છે.
સામે પક્ષે મો.ફૈઝાનના ભાઇ મો.મુમતાજ શેખે નોંધાવેલી ફરિયાદમાં કહ્યું છે કે,રાતે મારા ભાઇની લારી પર આવેલા પોલીસવાળા મો.મુબશશિર,પોકો રઘુવીર અને ડ્રાઇવર કિશન નટવરભાઇ પરમારે મારા ભાઇને ગાળો ભાંડી લાકડી વડે માર માર્યો હતો.જેથી તેણે આવેશમાં આવી વાનને આગળથી પકડી લીધી હતી.મારો ભાઇ ઢસડાઇને પડી જતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી છે.હાલમાં તેની હાલત નાજુક છે.પોલીસે આ અંગે ત્રણેય પોલીસ સામે બેરહેમી પૂર્વક માર મારવા બદલ ગુનો નોંધ્યો છે.
લારીવાળો પીસીઆર વાન સાથે 100 મીટર સુધી ઢસડાયો
રાતે બે વાગે લારીઓ બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે રકઝક થયા બાદ મો.ફૈઝાન પોલીસ વાન સાથે ઢસડાતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.આ દ્શ્ય જોનારાના રૃંવાડા ખડાં થઇ જાય તેમ હતું.
એસીપી ડી જે ચાવડાના કહ્યા મુજબ, સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૭ ની બહાર બનેલા બનાવમાં અમારી પ્રાથમિક તપાસમાં આમલેટની લારી ચાલુ રાખનાર ફૈઝાન વાન સાથે ૧૦૦ મીટર સુધી ઢસડાયો હોવાનું મનાય છે.
આ કેસમાં પોલીસ તટસ્થતા પૂર્વક તપાસ કરશે.આ માટે નિવેદનો તેમજ સીસીટીવી ફૂટેજ લેવા માટે ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તજવીજ કરી રહ્યા છે.ગઇ રાતે જ ત્રણેય પોલીસ કર્મી સામે ગુનો નોંધાઇ ગયો છે અને તેમની સામે ખાતાકીય રાહે તપાસ પણ કરવામાં આવનાર છે.