ઓનલાઇન ગેમનું દેવું ચૂકતે કરવા ઉંચા વ્યાજે લોનલેનાર યુવકની સાથે આખું પરિવાર ફસાયું
વડોદરાઃ ઓનલાઇન ગેમની લતે ચડેલા યુવકના કરતૂતને કારણે તેની સાથેસાથે આખું પરિવાર પરેશાનીમાં મુકાઇ ગયું છે.સુખી પરિવાર એકાએક આર્થિક સંકડામણમાં સપડાઇ જતાં આખરે અભયમની મદદ લીધી હતી.
શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતો યુવક છેલ્લા કેટલાક સમયથી ઓનલાઇન ગેમની લતે ચડી ગયો હતો.આ ગેમમાં તેને સતત દેવું થઇ રહ્યું હતું અને દેવું ચૂકતે કરવા માટે તેણે ઉંચાવ્યાજની લોન લીધી હતી.
બીજીતરફ તેણે લોનના હપ્તા અને બીજા ખર્ચને કારણે ઘરમાં પગાર આપવાનું બંધ કર્યું હતું.આ વખતે જ તેના પિતા પણ બીમાર પડતાં તેમની પણ આવક બંધ થઇ હતી.જેથી આખું પરિવાર આર્થિકભીંસમાં મુકાઇ ગયું હતું.
પરિવારને ઘરના ખર્ચ કાઢવામાં નવનેજા પાણી આવી જતાં ઘરકંકાસ થતો હતો.જેથી કંટાળેલી માતાએ અભયમની મદદ લીધી હતી.યુવકનું કાઉન્સેલિંગ કરતાં તેણે પોતાની ભૂલ સ્વીકારી હતી અને ઓનલાઇન ગેમ ક્યારેય નહિ રમે તેની લેખિતમાં બાંહેધરી આપી હતી.