સેલ્ફી લેવા માટે કેનાલ પર ચઢેલા યુવકનું ડૂબી જતા મોત
પગ લપસતા કેનાલમાં પડયો હતો, ફાયરબ્રિગેડે લાશ બહાર કાઢી
વડોદરા,ગોરવા મધુનગર કેનાલ પર સેલ્ફી લેવા માટે ગયેલા ૧૮ વર્ષના યુવકનો પગ લપસતા તે કેનાલમાં પડયો હતો. કેનાલમાં ડૂબી જવાતી તેનું મોત થયું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, યુ.પી.ના મુરાદાબાદ જિલ્લાના સુભાષનગર ડિવડિયા ખાતે રહેતો ૧૮ વર્ષનો સમીર મલીક ગોરવા મધુનગર વિસ્તારમાં રહેતા ભાઇના ઘરે આવ્યો હતો. ગઇકાલે સાંજે તે મધુનગર કેનાલ પર સેલ્ફી લેવા માટે ગયો હતો. તે દરમિયાન અચાનક તેનો પગ લપસતા તે પાણીમાં પડતા ડૂબી ગયો હતો. આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડના જવાનોએ સ્થળ પર જઇને શોધખોળ કરતા આજે સવારે સવા દશ વાગ્યે તેની લાશ પાણીમાંથી મળી આવી હતી. ગોરવા પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.