મિત્ર પરિવાર સાથે જમવા આવેલા યુવકને પિસ્તોલ તાકી છરી મારીને ચેન લૂટી લીધો

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
મિત્ર પરિવાર સાથે જમવા આવેલા યુવકને પિસ્તોલ તાકી છરી મારીને ચેન લૂટી લીધો 1 - image


રણાસણ રીંગરોડ પર મોડી રાત્રે બબાલ

હોટલમાં હિસ્ટ્રીશીટરની ગેંગ દ્વારા તોડફોડ કરાતા નાશભાગ મચી ગઇ : હુમલાખોર મુખ્ય આરોપી પોલીસની હિરાસતમાં

ગાંધીનગર : રણાસણ રીગરોડ પર આવેલી હોટલમાં મિત્ર પરિવાર સાથે જમવા આવેલા યુવાન પર નજીવી બાબતે પિસતોલ તાકીને હિસ્ટ્રીશીટર અને તેના સાગરિતોએ છરીથી હુમલો કરીને રૃપિયા ૮ લાખની કિંમતની સોનાની ચેઇન લૂંટી લીધાનો બનાવ મોડી રાત્રે બન્યો હતો. હુમલો કરવાની સાથે આરોપીઓ દ્વારા હોટલમાં તોડફોડ કરવામાં આવતાં નાશભાગ મચી હતી. દરમિયાન પોલીસે મુખ્ય સુત્રધારને ઝડપી પાડી કાયદાકીય કાર્યવાહી કરી હતી.

ડભોડા પોલીસ મથકના સુત્રોના જણાવવા પ્રમાણે રાજકોટમાં યુવરાજનગરમાં રહેતો અને ગાડીઓની લે વેચનો ધંધો કરતો વિરમ ચોથાભાઇ મેવાડા નામનો ભરવાડ યુવાન અમદાવાદમાં વેજલપુરમાં રહેતા મિત્ર રોનકના ઘરે આવ્યો હતો અને રાત્રે તેઓ રણાસણ રીગરોડ પર આવેલા ગપ્પા ગાર્ડન રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા હતાં. તેની સાથે રોનકની પત્ની અને મહેશ પોપટભાઇ ભરવાડ ઉર્ફે જેડી નામનો શખ્સ પણ સામેલ હતાં. જમી લીધા બાદ વિરમે અજાણ્યા શખ્સને હોટલના સ્ટાફ સાથે બોલાચાલી કરતો જોતાં ત્યાંજોવા ગયો ત્યારે અહીં કેમ જુએ છે, જતો રહેજે તેમ કહેતા વિરમને આ શખ્સ સાથે બોલાચાલી થતાં તેણે વિરમને લાફો મારી દીધો હતો. જેના પગલે ઝપાઝપી થતાં આ શઅખસના સાગરિતો વિરમ પર તૂટી પડયા હતાં અને ખુરસીઓ ઉઠાવીને મારવા લાગ્યા હતાં.

દરમિયાન એક શખ્સે પિસ્તોલ કાઢીને વિરમ પર તાકી હતી જ્યારે અન્ય સાગરિતો છરી, પાઇપ, ધોકા લઇને ફરી વળઅયા હતાં. તેમાં છરીનો એક ઘા સાથળમાં મારી દીધો હતો અને એક ઘા ડાબા હાથમાં માર્યો હતો. બનાવની જાણ થતાં ડભોડા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સ્થળ પરથી પિસ્તોલ તાકનાર ધમા બારડને પોલીસે પકડી પાડયો હતો. જ્યારે છરીથી સ્વીટુ સહિતના અન્ય શખ્સોની શોધ આદરી છે. પોલીસની તપાસ દરમિયાન આરોપીઓ પૈકી સ્વીટુને ઇજાગ્રસ્ત વિરમનો મિત્ર રોનક ઓળખતો હોવાનું પણ ખુલ્યુ હતું. પોલીસે લૂંટ અને હુમલો કરવા સંબંધે ગુનો નોંધી સીસી ટીવીના ફૂટેજ મેળવવા સાથે આગળની કાર્યવાહી કરી હતી. 


Google NewsGoogle News