જર્મનીથી દાહોદ આવેલો યુવક કોરોનાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ
ઇજિપ્તથી સાઉદી અરેબીયા થઇને દાહોદ આવ્યા પછી લક્ષણો જણાતા રિપોર્ટ કઢાવ્યો
વડોદરા,જર્મનીના બર્લિનમાં રહેતો ૨૫ વર્ષનો યુવાન ઇજિપ્ત અને સાઉદી અરેબીયાની ટૂર કરીને દાહોદ આવ્યો હતો. ત્યારબાદ તેની તબિયત લથડતા રિપોર્ટ કઢાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેને વડોદરાની ખાનગી હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યો છે.
દાહોદનો ૨૫ વર્ષનો યુવક જર્મનીમાં સ્થાયી થયો છે. ૧૦ દિવસ અગાઉ તે દાહોદ આવવા જર્મનીથી નીકળ્યો હતો. તે ઇજિપ્ત અને ત્યારબાદ સાઉદી અરેેબીયાની ટૂર કરીને દાહોદ આવ્યો હતો. દાહોદ આવ્યા પછી તેની તબિયત લથડતા અને કોરોનાના લક્ષણો જણાતા તેનો રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે વડોદરાના વારસિયા રીંગરોડની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દર્દી હાલ ઓક્સિજનના સપોર્ટ પર છે. પરંતુ, તેની તબિયત સ્થિર છે. કોરોનાના નવા વેરિયન્ટના રિપોર્ટ માટે તેના સેમ્પલ લેવામાં આવ્યા છે.