કાસમઆલા કબ્રસ્તાન પાસે યુવાનને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રહેંસી નાંખ્યો

હત્યા કર્યા પછી આરોપી અમદાવાદ માતા - પિતાના ઘરે ભાગી ગયેલો આરોપી ઝડપાઇ ગયો

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
કાસમઆલા કબ્રસ્તાન  પાસે યુવાનને  તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રહેંસી નાંખ્યો 1 - image

વડોદરા,કાસમઆલા કબ્રસ્તાન પાસે રહેતા અને ફ્રૂટની ફેરી કરતા યુવાન પર તિક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંકીને હત્યારો ફરાર થઇ  ગયો હતો. હત્યા કરીને આરોપી અમદાવાદ ભાગી ગયો હોવાની માહિતી મળતા કારેલીબાગ પોલીસની એક ટીમ હત્યારાને પકડવા માટે અમદાવાદ રવાના થઇ છે. આરોપી પકડાયા પછી હત્યા કરવાનું ચોક્કસ કારણ જાણી શકાશે.

કાસમઆલા કબ્રસ્તાન પાસે રહેતા મૂળ યુ.પી.ના વતની મોહંમદ નાજીમ છોટે હુસેન પઠાણ પગરિક્ષામાં ફ્રૂટનો વેપાર કરે છે. પત્ની અને બે સંતાનો સાથે રહેતો મોહંમદનાજીમ રોજ રાતે ત્રણ વાગ્યે  પગ રિક્ષા લઇને ખંડેરાવ માર્કેટમાં ફ્રૂટ લેવા માટે જાય છે. મંગળવારે રાતે ત્રણ વાગ્યે તેઓ રોજીંદા ક્રમ મુજબ ઘરેથી નીકળ્યા હતા. સવારે સાડા છ વાગ્યે મોહંમદનાજીમનો મિત્ર  અને તેની સાથે ફ્રૂટનો ધંધો કરતો તારીક તેના ઘરે ગયો હતો. તેણે ઘરે આવીને મોહંમદ નાજીમની પત્નીને કહ્યું કે, કેરેટ હોટલ કે બહાર રખે હૈ, ઔર નાજીમ માર્કેટ ગયા હૈ તો ફોન ભી નહી ઉઠા રહા હૈ. ત્યારબાદ નાજીમની પત્ની અને તારીકે નાજીમના મોબાઇલ પર કોલ કર્યા હતા. પરંતુ, તેણે ફોન રિસિવ કર્યો નહતો. જેથી, ભાણેજ કેફને કાસમઆલા કબ્રસ્તાનની દિવાલની બાજુમાં કે જ્યાં નાજીમ રિક્ષા પાર્ક કરતો હતો. થોડીવારમાં કેફે ફોન કરીને જણાવ્યું હતું કે, મામા કો કિસીને માર ડાલા હૈ. શરીર પર ચોંટ લગી હૈ. જેથી, નાજીમની પત્ની દોડતી દોડતી ત્યાં ગઇ હતી. ત્યાં જઇને તેણે જોયું તો નાજીમ લોહીલુહાણ  હાલતમાં મૃત હાલતમાં પડયો હતો. નાજીમના માથા, છાતી તથા ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા હતા. બનાવ અંગે પોલીસ કંટ્રોલ રૃમમાં કોલ કરતા પોલીસ દોડી આવી હતી. નાજીમની પત્નીની ફરિયાદના આધારે કારેલીબાગ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ડીસીપી પન્ના મોમાયાની સૂચના મુજબ, પી.આઇ. અને સ્ટાફે તપાસ શરૃ કરતા જાણવા મળ્યું હતું કે, મરનારના ઘરની નજીક જ રહેતા ગુલજાર અકબર નબી પઠાણે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી હતી. પોલીસને માહિતી મળી હતી કે, આરોપી અમદાવાદના નારોલ ખાતે રહેતા માતા - પિતાના ઘરે જતો રહ્યો છે. જેથી, પોલીસની ટીમ ત્યાં  પહોંચી હતી. પરંતુ, પોલીસના પહોંચવાના થોડા સમય  પહેલા જ તે નીકળી ગયો હતો.પોલીસે આસપાસના વિસ્તારમાં તપાસ કરીને આરોપીને ઝડપી પાડયો હતો. 



હત્યા કરીને ભાગતા આરોપીના સીસીટીવી ફૂટેજ મળ્યા

 વડોદરા,બનાવની જાણ થતા ડીસીપી પન્ના મોમાયા સ્થળ પર દોડી ગયા હતા. પોલીસે નજીકમાં  ફિટ કરેલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા આરોપી હત્યા કર્યા પછી નાસતો દેખાય છે. આરોપીએ હત્યા કર્યા  પછી ફેંકી દીધેલું હથિયાર પોલીસ શોધી રહી છે.


ઘરે જઇને કપડા બદલી આરોપી ફરાર થઇ ગયો 

 વડોદરા, પોલીસની ટીમે  આ વિસ્તારમાં રહેતા લોકોની  પૂછપરછ કરી હતી. પોલીસની તપાસમાં હત્યાને નજરે જોનાર ચાર સાક્ષીઓ મળી આવ્યા છે. જેઓએ આરોપીને નાજીમ પર તિક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંકતા નજરે જોયો હતો. આરોપી હત્યા કર્યા પછી પોતાના ઘરે  દોડી ગયો હતો. ઘરે જઇને તે કપડા બદલીને અમદાવાદ જતો રહ્યો હતો. પોલીસે તેના ઘરેથી લોહીવાળા કપડા કબજે કર્યા છે.



આરોપીની રિક્ષામાંથી લોહીના ડાઘા મળી આવ્યા

 વડોદરા,આરોપી ગુલજારને પાંચ  ભાઇઓ છે. આરોપી પોતે ભાડેથી રિક્ષા ચલાવે છે. પોલીસને ઘટના સ્થળની નજીકથી રિક્ષા પણ મળી આવી છે. રિક્ષામાંથી લોહીના ડાઘા મળી આવ્યા છે. જેના  પરિક્ષણ માટે  પોલીસે એફ.એસ.એલ.ની ટીમને સ્થળ પર  બોલાવી હતી.


આરોપી રાતે બે વાગ્યે ઘરેથી નીકળી ગયો હતો

વડોદરા,પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરી ત્યારે મરનારના ખિસ્સામાંથી તેનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. પોલીસે આરોપીના પરિવારજનોની  પૂછપરછ કરતા એવું જાણવા મળ્યું હતું કે, ગુલજાર રાતે બે વાગ્યે જ ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ તે મરનાર મોહંમદનાજીમની વોચમાં ગોઠવાઇ ગયો હોવાની શક્યતા છે. તેમજ હત્યાનું કારણ હજી આરોપીની પૂછપરછ પછી જ બહાર આવશે.


Google NewsGoogle News