પત્ની સાથે આડા સંબંધને લઈ હથોડો ઝીંકીને યુવાનની હત્યા કરાઈ

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
પત્ની સાથે આડા સંબંધને લઈ હથોડો ઝીંકીને યુવાનની હત્યા કરાઈ 1 - image


કોબામા બાંધકામ સાઈટ ઉપર મશીન ઓપરેટરની હત્યાનો ભેદ ખુલ્યો

ઓફિસની કેબિનમાં યુવાન અને પત્નીને સાથે જોઈ જતા તકરાર થઈ હતી :  એલસીબીએ આરોપી યુવાનને ઝડપી લીધો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા કોબાના રાહેજા રોડ ઉપર સંત વિહાર-૩ નામની બાંધકામ સાઈટ ઉપર આરએમસી મશીન ઓપરેટર તરીકે કામ કરતા યુવાનની માથામાં હથોડો ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. જે ગુનામાં એલસીબીએ હત્યા કરનાર યુવાનને ઝડપી લીધો છે અને પત્ની સાથે આડા સંબંધને લઈ આ હત્યા કરવામાં આવી હોવાનું ખુલવા પામ્યું છે.

ગાંધીનગર શહેર નજીક આવેલા કોબાના રાજા રોડ ઉપર સંત વિહાર-૩ નામની બાંધકામ સાઇડમાં આરએમસી પ્લાન્ટમાં ઓપરેટર તરીકે નરેશકુમાર નટવરસિંહ સોલંકી અને પીન્ટુસિંહ બચુસિંહ સોલંકી કામ કરે છે. શનિવારે રાત્રિના સમયે આ બંને ઓપરેટર મશીનની કેબિનમાં સૂઈ ગયા હતા તે દરમિયાન નરેશકુમારને વહેલી પરોઢે કેબિનમાં કોઈને માર મારવામાં આવતો હોય તેવો અવાજ આવ્યો હતો. જેના પગલે તે જાગી ગયા હતા અને જોયું હતું કે ૨૫ થી ૩૦ વર્ષનો યુવાન હાથમાં હથોડો લઈને પીન્ટુના માથામાં મારી રહ્યો હતો. જેથી તે વચ્ચે પડતા તેની ઉપર પણ હુમલો કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ આ શખ્સ ગેટ બહાર ઊભેલી રિક્ષામાં બેસીને ત્યાંથી નાસી છૂટયો હતો. ગંભીર રીતે ઘવાયેલા પીન્ટુસિંહનું મોત નીપજ્યું હતું. આ મામલે ઇન્ફોસિટી પોલીસે હત્યાના ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. તો બીજી બાજુ ગાંધીનગર એલસીબી પીઆઇ ડી.બી વાળા અને એચ.પી પરમાર તેમજ ઇન્ફોસિટી પોલીસી ઈન્સ્પેક્ટર એલ. ડી. ઓડેદરાની ટીમો દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવા માટે મથામણ શરૃ કરવામાં આવી હતી. દરમિયાનમાં પોલીસને બાતમી મળી હતી કે, બાંધકામ સાઈટ ઉપર કામ કરતા અનિલ લાલચંદભાઈ ખરાડ રહે, ગરબાડા દાહોદની સંડોવણી છે. જેથી પોલીસે તેને પકડીને પૂછપરછ કરતા કબુલાત કરી હતી કે, તે સાઇટ ઉપર આઇસર ગાડી ચલાવતો હતો અને પીન્ટુસિંહ તેમજ તેની પત્નીને આડા સંબંધ હતા બંનેને કેબિનમાં જોઈ ગયો હતો અને તે સમયે પણ તકરાર થઈ હતી ત્યારબાદ તે પત્નીને લઈ ગોતા રહેવા માટે જતો રહ્યો હતો. જોકે પીન્ટુ સિંહની હત્યા કરવાનું નક્કી કર્યું હતું અને શનિવારે રાત્રે તકનો લાભ લઈને હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો.


Google NewsGoogle News