20 લાખની ઉઘરાણીમાં ડખ્ખા પડયાના પગલે ફાયરિંગ કરાતાં એક યુવાન ઘાયલ થયો
અડાલજ મહેસાણા રોડ પર રાત્રીના સમયે બનેલી ઘટનાથી ચકચાર મચી
ક્રિકેટના સટ્ટામાં દેવુ થઇ જતાં લીધેલી રકમ માંગતા જ થાઇ તે કરી લેવાનું કહીને ભડાકો કર્યો : પોલીસમાં ખુનના પ્રયાસનો ગુનો નોંધાયો
ગાંધીનગર : ગાંધીનગરના અડાલજથી મહેસાણા જતાં રોડ પર મોડી રાતે બનેલા ફારિંગના બનાવમાં એક યુવાનને પગમાં ઇજા થવાના બનાવમાં પોલીસ દ્વારા હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને તપાસ શરૃ કરાઇ છે. પોલીસના જણાવવા પ્રમાણે રૃપિયા ૨૦ લાખની ઉઘરાણીમાં ડખ્ખો પડવાથી આબનાવ બન્યો હતો. જેમાં ક્રિકેટના સટ્ટામાં દેવુ થઇ જતાં લીધેલી રકમ માંગતા જ થાઇ તે કરી લેવાનું કહીને કડી તાલુકાના ચંદનપુરા ગામના શખ્શે ભડાકો કર્યો હતો.
પોલીસ સુત્રો મુજબ કલોલ તાલુકાના પીયજ ગામે કૃષ્ણકુંજ નામથી
રો-હાઉસ બાંધી રહેલા બિલ્ડર મહેસાણા તાલુકાના ફૂલેતરા ગામનો ઇશ્વર ઉર્ફે પિન્ટુ મોહનભાઇ
રબારી ગઇ રાત્રે સીંદબાદ હોટલમાં હતો. દરમિયાન તેના મિત્ર કડી તાલુકાના મેરડા
ગામનો રહેવાસી સંજય હેમરાજભાઇ રબારી આવતાં તેને મળવા ગયો હતો. આ વખતે સંજયને કડી
તાલુકાના ચંદનપુરાના રહેવાસી ફેનિસ અનિલભાઇ પટેલ સાથે ફોન પર પૈંસાના મુદ્દે
બોલાચાલી થઇ રહી હતી. દરમિયાન ફેનિસે કહ્યાના પગલે ઇશ્વર ઉર્ફે પિન્ટુ અને સંજય
બન્ને ક્રેટા ગાડીમાં બેસીને પૈસા લેવા માટે અડાલજ રોડ પર ગયાં ત્યારે ત્રિમંદિર
અને પ્રભા હનુમાનની જગ્યા વચ્ચે ફનિસ તેની ક્રેટા ગાડી લઇને ફૂટપાથ પર ઉભો હતો.
તેની સાથે હાદક અને વિજય નામના શખ્સો પણ હતાં. અહીં સંજયે રૃપિયા ૨૦ લાખની ઉઘરાણી
કરતાં ફેનિસે હાલમાં પૈસા નથી અને તારાથી જે થાય તે કરી લે તેમ કહી દેતાં બન્ને
વચ્ચે ઝપાઝપી થઇ હતી.
દરમિયાન પિન્ટુએ બન્ને તેના મિત્રો હોવાથી સમજાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ફેનિસે ગાડીમાંથી બંદુક કાઢી હતી અને સંજયે ધોકો કાઢતાં આ વખતે ફેનિસનો એક મિત્ર તો ગભરાઇને નાશી ગયો હતો. આ દરમિયાન કોઇ કશું સમજે તે પહેલા ફેનિસે ફાયરિંગ કરતાં પિન્ટુના પગમાં ગોળી ઘુસી જવાના પગલે તે ફૂટપાથ પર જ ફસડાઇ ગયો હતો. ત્યારે પણ સંજયે લાકડી વડે ફેનિસ અને તેના અન્ય મિત્ર પર હુમલો કરી દીધો હતો. બાદમાં પિન્ટુએ બુમાબુમ કરી દેતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. પોલીસને આ બનાવની જાણ થતાં સ્થળ પર પહોંચી હતી. પરંતુ ફાયરિંગ કરનાર ફેનિસ મળ્યો ન હતો. પોલીસે આ બારામાં હત્યાના પ્રયસનો ગુનો નોંધ્યો હતો. બીજી બાજુ ફેનિસે પણ હુમલો કરીને માર મારવા સાથે ખુનની ધમકી દેવાની સામી ફરિયાદ નોંધાવી હતી.