ગોલ્ડન ચોકડી પાસે લઘુશંકા માટે જતા યુવાનને વાહને કચડી નાંખ્યો
સાંકરદા ગામ નજીક વાહન ચાલકે અડફેટે લેતા સિક્યુરિટી જવાનનું મોત
વડોદરા,નવા વર્ષના દિવસે વાહન અકસ્માતના બે બનાવમાં ૩૦ વર્ષના યુવાન અને ૫૫ વર્ષના પ્રૌઢના મોત થયા હતા. જે અંગે હરણી અને નંદેસરી પોલીસે ગુનો દાખલ કરી અકસ્માત કરીને ભાગી છૂટેલા વાહન ચાલકોની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના જવાહર નગરમાં રહેતા રામચંદ્ર રમેશભાઇ ચૌહાણ ( ઉ.વ.૩૦) ગત તા.૧૪મી એ પત્ની ગીગીબેન તથા સાળા સાથે ઘરેથી નીકળીને પાવાગઢ દર્શન કરવા માટે નીકળ્યા હતા.ગોલ્ડન ચોકડી નજીક બસમાંથી તેઓ નીચે ઉતર્યા હતા. ત્યારબાદ તેઓ હોટલ પર બેઠા હતા. તે દરમિયાન રામચંદ્ર લઘુશંકા કરવા માટે અમદાવાદથી સુરત જતારોડ પર ખુલ્લી જગ્યામાં ગયા હતા. અજાણ્યા વાહન ચાલકે તેઓને અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી. અને સ્થળ પર જ તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત કરનાર વાહન ચાલક સ્થળ પરથી ભાગી ગયો હતો. હરણી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય એક બનાવમાં પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સાંકરદા ગામ ભઠ્ઠીવાળા ફળિયામાં રહેતા ૫૫ વર્ષના બચુભાઇ રયજીભાઇ ચાવડા સાંકરદા ગામ ઇશાન કંપનીમાં છેલ્લા એક વર્ષથી સિક્યુરિટી જવાન તરીકે નોકરી કરે છે. નવા વર્ષની રાતે પોણા નવ વાગ્યે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓને માથા, મોંઢા તથા પગ પર ગંભીર ઇજા થઇ હતી. અને સ્થળ પર જ તેઓનું મોત થયું હતું. જે અંગે નંદેસરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.