યુવતીને બાઇકની ટાંકી પર પોતાના તરફ મોં રાખી બેસાડી સ્ટન્ટ કરવાનું યુવકને ભારે પડ્યું,પોલીસે શોધી કાઢ્યો

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
યુવતીને બાઇકની ટાંકી પર પોતાના તરફ મોં રાખી બેસાડી સ્ટન્ટ કરવાનું યુવકને ભારે પડ્યું,પોલીસે શોધી કાઢ્યો 1 - image
વડોદરાઃ ન્યુ વીઆઇપી રોડ પર રાત્રિના સમયે એક યુવક બાઇક પર યુવતીને આગળ પેટ્રોલ ટેન્ક પર બેસાડી સ્ટન્ટ કરતો હોવાનો વીડિયો વાયરલ થતાં હરણી પોલીસે સ્ટેન્ટબાજ યુવકને ઝડપી પાડયો છે.
ન્યુ વીઆઇપી રોડ પર મિલન પાર્ટી પ્લોટ પાસેથી એક યુવક રાત્રિના સમયે બાઇક પર યુવતીને આગળ પેટ્રોલ ટેન્ક પર બેસાડી પૂરઝડપે પસાર થઇ રહ્યો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો.યુવતી યુવક તરફ મોં કરીને બેઠેલી હતી અને યુવક વાહનોની વચ્ચેથી બાઇક લઇને પસાર થઇ રહેલો દેખાતો હતો.
વાહનચાલકો અને રાહદારીઓની જિંદગી જોખમમાં મુકાય તેવી રીતે સ્ટન્ટ કરવાના વાયરલ થયેલા વીડિયો અંગે પોલીસ કમિશનરે ત્વરિત તપાસ કરવા માટે તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી. બનાવનું લોકેશન જોતાં હરણી,બાપોદ અને વારસીયા પોલીસ એક્શનમાં આવી હતી.
હરણી પોલીસે યુવકના મોટરસાઇકલના નંબર પરથી તેને શોધી કાઢ્યો હતો.પોલીસની પૂછપરછ દરમિયાન યુવકનું નામ કલ્પેશ નટવરસિંહ દરબાર(સયાજી ટાઉનશિપ, ખોડિયાર નગર, ન્યુ વીઆઇપી રોડ) હોવાનું અને તે ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું અને યુવતી તેની મંગેતર હોવાનું ખૂલ્યું હતું.હરણીના ઇન્ચાર્જ પીઆઇ એમ બી રાઠોેડે બાઇક કબજે લઇ સામે ગુનો નોંધવા તજવીજ કરી હતી.


Google NewsGoogle News