શોભાયાત્રામાં ખુલ્લી તલવાર લઇને ફરતો યુવક ઝડપાયો
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી
વડોદરા,રામ નવમીની શોભાયાત્રામાં ખુલ્લી તલવાર લઇને ફરતા યુવક સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.
વિશ્વ હિન્દુ પરિષદની રામ નવમીની શોભાયાત્રા રામ નવમીના દિવસે શૈલેષ કનુભાઇ પરમારની આગેવાની હેઠળ તરસાલી સ્વામિ નારાયણ મંદિરના ગ્રાઉન્ડ ખાતેથી સાંજે સાત વાગ્યે નીકળી સુશેન ચાર રસ્તા, જ્યુપિટર ચાર રસ્તા, તુલસીધામ ચાર રસ્તા, સરસ્વતી ચાર રસ્તા થઇ ઇવા મોલ ખાતે રાતે દશ વાગ્યે પૂર્ણ થઇ હતી. શોભાયાત્રામાં એક વ્યક્તિ ખુલ્લી તલવાર લઇને ફરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વીડિયો પોલીસના ધ્યાને આવતા તપાસ શરૃ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ખુલ્લી તલવાર લઇને પ્રેમ ભાસ્કરભાઇ બડગુજર (રહે. બી.એ.પી.એસ. આવાસ યોજનાના મકાન, તરસાલી ગામ) ફરતો હતો. જેથી, પોલીસે તેની સામે હથિયારબંધીના ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.