રસ્તા પર થયેલી મિત્રતા 15 લાખમાં પડી, એક મહિનામાં ડબલ કરવાની સ્કીમમાં યુવકે રૃપિયા ગુમાવ્યા
વડોદરાઃ અકોટા વિસ્તારમાં નાસ્તાની દુકાનની સામે રોડ પર મિત્રતા થયા બાદ એક મહિનામાં ડબલ રકમ કરવાના નામે ભેજાબાજે રૃ.૧૫ લાખની ઠગાઇ કરતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ગોત્રીની વ્રજરાજ રેસિડેન્સીમાં રહેતા કાર્થિક ઐયરે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૧૦ મી ફેબુ્રઆરીએ મારા મિત્ર કૌશલ પારેખને અકોટામાં નાસ્તાની દુકાન સામે મળ્યો ત્યારે તેની સાથે આવેલા ભાવિન મકવાણા સાથે પરિચય થયો હતો.ભાવિન ઓનલાઇન ટ્રેડિંગ કરતો હોવાથી તેણે ઇન્વેસ્ટમેન્ટ વિશે વાત કરી હતી.
મને વિશ્વાસ આવતાં મેં એક મહિનામાં ડબલ કરવા માટે ભાવિનને રૃ.૧.૮૦ લાખની રકમ ચૂકવી હતી.તે રોજ મને રૃ.૯હજાર મને આપતો હતો.થોડા સમય પછી તેણે રૃ.૧.૮૦ લાખ પરત ચૂકવી નવી સ્કીમ આવી હોવાની જાણ કરી હતી.
ફરિયાદીએ કહ્યું છે કે,મેં મારા મિત્રો પાસેથી ઉછીની રકમ લઇ કુલ રૃ.૧૫ લાખ ભાવિનને આપ્યા હતા.તેણે મને રૃ.૨૭ લાખ પરત કરવાની ખાતરી આપી હતી.પરંતુ ત્યારબાદ તેણે ફોન લેવાનું બંધ કરી દીધું હતું અને મારા એકાઉન્ટ ફ્રીજ થઇ ગયા છે તેમ કહી ઊઘરાણી નહિ કરવા કહ્યું હતું.તેના ચેક પણ બાઉન્સ થયા હતા.જેથી અકોટા પોલીસે ભાવિન રજનીકાન્ત મકવાણા (એલાઇટ,સહજાનંદ એપાર્ટમેન્ટ,કલાલીરોડ, ચાણક્ય નગરીપાસે,વડોદરા)સામે ગુનો નોંધ્યો છે.