નોકરીથી છૂટીને ઘરે આવી જમવા બેસતા જ યુવાન ઢળી પડતા મોત
ઉપવાસમાં ભૂખ્યા પેટે ૨૪ કલાક નોકરી કરી હતીL મોતનું કારણ વિશેરાના રિપોર્ટ પછી બહાર આવશે
વડોદરા,૨૪ કલાક ભૂખ્યા પેટે નોકરી કર્યા પછી ઘરે આવીને જમવા બેસવા જતા જ યુવક અચાનક જ બેભાન થઇને ઢળી પડતા મોત થયું હતું. જે અંગે નંદેસરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નંદેસરી ગામ આશીર્વાદ સોસાયટીની પાછળ બાલુભાઇની ચાલીમાં રહેતો ૨૭ વર્ષનો રાહુલ કાલુભાઇ વસાવા નંદેસરીની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. શ્રાવણ મહિનામાં તે ઉપવાસ કરતો હતો. ગત તા.૮ મી એ રાતે આઠ વાગ્યે તે જમીને નોકરી પર ગયો હતો. ત્યારબાદ બીજે દિવસે સવારે ૮ વાગ્યે તે નોકરી પરથી છૂટયો હતો. ત્યારબાદ તેણે રાતના આઠ વાગ્યા સુધી ઓવર ટાઇમ કર્યો હતો. ૨૪ કલાક ભૂખ્યા પેટે રહ્યા પછી તે ઘરે ગયો હતો. હાથ પગ ધોઇને તે જમવા માટે બેસતો હતો. તે સમયે અચાનક જ પડી જતા બેભાન થઇ ગયો હતો. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. મોતનું કારણ જાણવા માટે પોલીસે પી.એમ. કરાવ્યું છે. પોલીસનું કહેવું છે કે, મોતનું કારણ વિશેરાના રિપોર્ટ પછી જાણી શકાશે.