વિસર્જન યાત્રામાં વીજ કરંટ લાગતા યુવકનું મોત
મુંબઇમાં સ્થાયી થયેલો યુવક દર વર્ષે વિસર્જનના દિવસે વતન વડોદરા આવતો હતો
વડોદરા, મહારાષ્ટ્રના પનવેલ ખાતે રહેતો યુવક ગણેશ વિસર્જન માટે વડોદરા આવ્યો હતો. ગઇકાલે રાતે ભારે પવન સાથે પડેલા વરસાદમાં તેને કરંટ લાગતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. પરંતુ, તેનું મોત નિપજ્યું હતું.
બનાવની મળતી માહિતી મુજબ, દાંડિયાબજાર શંકર ટેકરી વિસ્તારમાં રહેતો ૩૫ વર્ષનો અંકુર રમેશભાઇ દાળેકર છેલ્લા ઘણા વર્ષોથી મુંબઇમાં સ્થાયી થયો છે. અને દર વર્ષે ગણેશ વિસર્જનના દિવસે તે વડોદરા આવે છે. ગઇકાલે વિસ્તારના શ્રીજીની વિસર્જન યાત્રામાં તે જોડાયો હતો. યાત્રામાં સામેલ લોકો સાથે તે ચાલતો હતો. તે દરમિયાન અચાનક ભારે પવન સાથે વરસાદ પડતા તેને કોઇક સ્થળેથી કરંટ લાગતા નીચે પડી ગયો હતો. તેને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. યુવાનને ક્યાંથી કરંટ લાગ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.