બાઇક ચોરીના કેસમાં બોલાવીને ટોર્ચર કરાતા ક્રાઇમ બ્રાંચની કચેરીમાં જ યુવકનું મોત
યુવકનો કોઇ ગુનાઇત ભૂતકાળ નહી હોવા છતાં લોકલ પોલીસ સ્ટેશનના બદલે ક્રાઇમ બ્રાંચમાં કેમ લઇ જવાયો ? પરિવારજનોનો પ્રશ્ન
વડોદરા : ડીસીબી (ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાંચ) દ્વારા બાઇક ચોરીના કેસમાં મંગળવારે રાત્રે પુછપરછ માટે લવાયેલા યુવકનું ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં જ મોત થયુ હતું. કોઇ પણ ગુનાઇત ભૂતકાળ નહી ધરાવતા યુવકના મોતના પગલે તેનો પરિવાર આઘાત પામી ગયો હતો અને ક્રાઇમ બ્રાંચે કરેલા ટોર્ચરના કારણે જ મોત થયુ હોવાનો આક્ષેપ કર્યો છે. યુવકનું એસએસજી હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ છે જેના રિપોર્ટ બાદ મોતનું સાચુ કારણ જાણી શકાશે.
એસએસજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૃપ પાસે એકઠા થયેલા મૃતક યુવકના સગા સંબંધીઓ અને મિત્રો સાથે વાત કરતા જાણવા મળ્યુ કે' તરસાલી વિસ્તારમાં હરીઓમ નગરમાં રહેતો ૨૯ વર્ષનો યજ્ઞોશ ગજેન્દ્ર ચૌધરી ખાનગી લેબમાં નોકરી કરતો હતો.મંગળવારે રાત્રે તેને ક્રાઇમ બ્રાંચમાં પુછપરછ માટે લઇ જવાયો. ત્યાં તેને છાતીમાં દુઃખાવો થતાં પહેલા માંડવી પાસે આવેલી સરકારી હોસ્પિટલમાં લઇ જવાયો હતો અને ત્યાંથી એસએસજીમાં લવાતા ડોક્ટરે યજ્ઞોશને મૃત જાહેર કર્યો હતો.
પરિવાર અને પરિચિતોનું એમ પણ કહેવું છ કે 'યજ્ઞોશ પરિવારમાં એકનો એક પુત્ર હતો. તેણે ભરૃચના એક મિત્રને ઉછીના પૈસા આપ્યા હતા અને તેના બદલામાં ભરૃચના મિત્રએ તેની બાઇક યજ્ઞોશ પાસે ગીરવે મુકી હતી. આ બાઇક ચોરીની હતી તે યજ્ઞોશને ખબર નહતી. જો બાઇક ચોરીની હતી તો પણ યજ્ઞોશ સામે લોકલ પોલીસ સ્ટેશનમા ફરિયાદ થવી જોઇએ તેના બદલે તેને સીધો જ ક્રાઇમ બ્રાંચમાં લઇ જવાયો હતો. યજ્ઞોશ સંપૂર્ણ સ્વસ્થ હતો તેને કોઇ બીમારી નહતી. ક્રાઇમ બ્રાંચમાં એવુ તો શું બન્યુ કે યજ્ઞોશને હાર્ટ એટેક આવી ગયો. ક્રાઇમ બ્રાંચે યજ્ઞોશની પુછપરછના સીસીટીવી ફૂટેજ જાહેર કરવા જોઇએ જેથી અમને ખબર પડે કે ત્યાં શું થયુ હતું.