વડોદરામાં વિશ્વામિત્રી રિવર એક્શન પ્લાનની કામગીરી માટે વર્કિંગ કમિટીની રચના કરાઈ
- આ કમિટીમાં સ્ટેન્ડિંગ સમિતિના પાંચ સભ્યો પણ મુકવા સ્ટેન્ડિંગ સમિતિમાં ઠરાવ કરાયો
- અગાઉ એનજીટીએ વિશ્વામિત્રી પ્રોજેક્ટ અમલ માટે ઓર્ડર કર્યો હતો
વડોદરા,તા.8 જાન્યુઆરી 2024,સોમવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટ માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના ઓર્ડરના અમલીકરણ માટે અધિકારીઓ અને સ્ટેકહોલ્ડર સભ્યોની વર્કીંગ કમિટીની રચના કરવામાં આવતા તે અંગેની એક દરખાસ્ત કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિમાં મંજૂર કરવામાં આવી છે. જોકે આ દરખાસ્ત મંજૂર કરવાની સાથે સાથે એ પણ ઠરાવ કરવામાં આવ્યો છે કે સ્થાયી સમિતિ ભવિષ્યમાં આ સમિતિ માટે અન્ય પાંચ નામ ઠરાવે તે પ્રમાણે સમિતિમાં તેઓનો સમાવેશ કરવાનો રહેશે.
વડોદરામાં વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટ માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે તા.25-5-2021 ના રોજથી વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટ માટે રીવર એક્શન પ્લાનની કામગીરી કરવા, નદીની હદમાંથી દબાણ દૂર કરવા અને રીવર રીસ્ટોરેશન પ્લાન મુજબ ફ્લડ પ્લેન ઝોનનું ડીમાર્કેશન કરવા ઓર્ડર કરવામાં આવેલ હતો. જે પૈકી વિશ્વામિત્રી નદીના રીવર એક્શન પ્લાન અન્વયે નદીના પુર નિયંત્રણ અને નદીના પુનર્જીવનના કામ માટે સલાહકાર દ્વારા રીપોર્ટ રજુ કરેલ હતો. ટ્રિબ્યુનના ઓર્ડર મુજબની કામગીરીના અમલીકરણ માટે વિવિધ વિષયોના નિષ્ણાતોની જરૂરીયાત હોવાથી નિષ્ણાત સ્ટેકહોલ્ડર સભ્યો સાથે બેઠક કરવામાં આવેલ હતી. જેના અનુસંધાને અધિકારી ઓ અને સ્ટેક હોલ્ડર સભ્યોની વર્કીંગ કમિટીની રચના કરવામાં આવી છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ વર્કિંગ કમિટીના અધ્યક્ષ તરીકે વડોદરા મ્યુનિસિપલ કમિશનર છે એ સિવાય બીજા 14 નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કોર્પોરેશનના અધિકારીઓ ઉપરાંત વુડા, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ,સિંચાઈ વિભાગ, વન વિભાગના અધિકારીઓ તથા વિવિધ ઇકોલોજીસ્ટ વગેરે પણ મૂકવામાં આવ્યા છે.