સમા નવી નગરીમાં છેલ્લા ૧૦ વર્ષથી દારૃનો ધંધો કરતી મહિલા ઝડપાઇ
ખોડિયાર નગર પાસે દારૃનો ધંધો કરતો આરોપી ઝડપાયો : ટેમ્પામાં દારૃ આપવા જતો કેરિયર પકડાયો
વડોદરા સમા નવી નગરીમાં રહેતી અને છેલ્લા ૧૦ વર્ષથી દારૃનો ધંધો કરતી મહિલાના ઘરેથી પીસીબી પોલીસે દેશી તથા વિદેશી દારૃનો જથ્થો કબજે લીધો છે. જ્યારે ખોડિયાર નગર પાસે દારૃ વેચતા આરોપીને વારસિયા પોલીસે ઝડપી લીધો છે.
સમા ઉર્મિ સ્કૂલ પાસે નવી નગરીમાં રહેતી દિવાળીબેન અશોકભાઇ માળી વિદેશી દારૃનો ધંધો કરતી હોવાની માહિતી પીસીબી પોલીસને મળતા પી.આઇ.એસ.ડી.રાતડાની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા દિવાળીબેનના ઘરમાંથી વિદેશી દારૃની ૩૯ બોટલ કિંમત રૃપિયા ૭,૯૦૦ ની મળી આવી હતી. જ્યારે ૨૫ લીટર દારૃ પણ મળી આવ્યો હતો. પોલીસે દારૃ અને મોબાઇલ ફોન મળી કુલ રૃપિયા ૧૮,૪૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે કેતન નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. દિવાળીબેન સામે છેલ્લા ૧૦ વર્ષમાં દારૃના ૨૭ ગુનાઓ નોંધાયા છે.
જ્યારે અન્ય એક બનાવમાં પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, વાઘોડિયા રોડ જીવન નગર વુડાના મકાનમાં રહેતો સુવાલાલ લાલજીભાઇ પંચાલ રિક્ષામાં વિદેશી દારૃનો જથ્થો ભરીને રાવપુરા માર્કેટ રોડ પર ડાલસન ઘડિયાળની ગલીમાં રહેતા નરેશ ઉર્ફે ભૂરીયાને આપવા માટે જવાનો છે. જેથી, પોલીસે વોચ ગોઠવીને સુવાલાલ તથા નરેશ ઉર્ફે ભૂરીયો ભોલાલાલ કહાર ( રહે. ગોવિંદભવનની વાડી, ડાલસન ઘડિયાળની ગલીમાં) ને ઝડપી પાડયો હતો. સુવાલાલ સામે અમદાવાદના ચાંગોદર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટનો ગુનો નોંધાયો છે. જ્યારે બે વર્ષ પહેલા તેને પાસા પણ થઇ હતી. જ્યારે નરેશની સામે ૯ ગુના નોંધાયા છે. જ્યારે બે વર્ષ પહેલા તેને પાસા થઇ હતી.
વારસિયા પોલીસને માહિતી મળી હતી કે, ખોડિયાર નગર ચાર રસ્તા સાંઇગંગા એપાર્ટમેન્ટમાં રહેતો રાજેશ ઉર્ફે રાજા રોચીરામ આસવાણી પોતાના ઘરે બિયરનો જથ્થો વેચાણ કરવા માટે લાવ્યો છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને રેડ પાડતા રાજેશ ઘરે મળી આવ્યો હતો. રાજેશના ઘરે ફ્રિજમાંથી બિયરના ૧૩ ટીન મળી આવ્યા હતા. પોલીસે રાજેશને પૂછતા એવું જાણવા મળ્યું હતું કે, દારૃનો જથ્થો ખોડિયાર નગર રૃદ્રાક્ષ રીવેરામાં રહેતો હિમાંશુ ઉર્ફે હેરી તથા એક જાડિયો માણસ આપી ગયો છે. જેથી, પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે. પોલીસે બિયર તથા મોબાઇલ ફોન મળી કુલ રૃપિયા ૬,૩૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.