જ્વેલરી શોપમાં ખરીદી કરવા આવેલી મહિલા મંગળ સૂત્ર ચોરીને ફરાર
વાડી પોલીસ સુધરવાનું નામ લેતી નથી : ૧ લી તારીખે ચોરી થઇ અને ૧૫ મી તારીખે ગુનો દાખલ કર્યો
વડોદરા, માંડવી એમ.જી.રોડ પર આવેલ લાલજીભાઇ હરજીવનદાસ એન્ડ સન્સ નામની જ્વેલર્સ નામની દુકાનમાં મંગળ સૂત્ર ખરીદવા માટે ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલા ૨૫ હજારની કિંમતનું મંગળ સૂત્ર સેલ્સ ગર્લની નજર ચૂકવીને લઇ ગઇ હતી. જે અંગે વાડી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સોમા તળાવ દરગાહની બાજુમાં ઝવેર નગરમાં રહેતા ભાવિકાબેન નિકુલભાઇ મિસ્ત્રી માંડવી એમ.જી.રોડ પર આવેલ લાલજીભાઇ હરજીવનદાસ એન્ડ સન્સ નામની જ્વેલર્સમાં સેલ્સ કાઉન્ટર નોકરી કરે છે. વાડી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧ લી તારીખે હું મારી નોકરી પર હતી. બપોરે પોણા ત્રણ વાગ્યે દુકાનમાં બે મહિલાઓ આવી હતી. તે સમયે મારી સાથેનો અન્ય સ્ટાફ જમવા માટે ગયો હતો. કાઉન્ટર પર આવીને મહિલાએ કહ્યું કે, મને સિંગલ લાઇનનું મંગળ સૂત્ર જોઇએ છે. તેઓએ મને ૫૦ હજારની રેન્જ જણાવી હતી. જેથી, હું સ્ટ્રોંગ રૃમમાંથી મંગળ સૂત્ર લાવીને તેઓને બતાવ્યા હતા. પરંતુ, મહિલાએ સિન્ધી ડિઝાઇનમાં મંગળ સૂત્ર બતાવવા કહ્યું હતું. પરંતુ, અમારી પાસે તે પ્રકારનું મંગળ સૂત્ર નહીં હોવાનું કહેતા મહિલા દુકાનમાંથી નીકળી ગઇ હતી.ત્યારબાદ હું સ્ટ્રોંગ રૃમમાં ફરીથી મંગળ સૂત્ર મૂકવા ગઇ ત્યારે વજન કરતા સ્ટ્રોંગ રૃમના સમીરભાઇએ કહ્યું કે, ૪.૭૪૦ ગ્રામ જેટલું વજન ઓછું છે.
મંગળ સૂત્ર લેવા આવેલી મહિલાઓ પર મને શંકા જતા મેં સીસીટીવી ચેક કરતા મહિલા મારી નજર ચૂકવીને એક મંગળ સૂત્ર કિંમત રૃપિયા ૨૫ હજારનું પોતાના ડ્રેસના પાયજામાના ખિસ્સામાં મૂકીને જતી રહી હોવાનું દેખાયું હતું. ઉલ્લેખનીય છે કે, વાડી પોલીસ કાયદા અનુસાર નહીં પરંતુ, પોતાની મનમાનીથી કાર્યવાહી કરે છે. દોઢ મહિના પહેલા સિનિયર સિટિઝન પર થયેલા હુમલાની ફરિયાદ પણ બે દિવસ પહેલા જ દાખલ કરી હતી અને હવે આ કિસ્સામાં પણ ૧૫ દિવસ પછી પોલીસ ફરિયાદ નોંધે છે.
સિનિયર સિટિઝન પર હુમલો કરનાર પર વાડી પોલીસ મહેરબાન
આરોપીને ૨૪ કલાક પણ ના રાખ્યો : આખું નામ, સરનામુ પણ ના જણાવ્યું
વડોદરા,બકરાવાડી માં રહેતા ધીરજલાલ ગોરધનદાસ વાઘેલાની બરાનપુરા શિવાજી બેંક સામે ચેમ્પિયન જેન્ટ્સ ટેલર નામની દુકાન છે. વાડી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગત ૨૪મી એપ્રિલે બપોરે શિવાજી બેંકના વોચમેન અજયભાઈએ મને ગાળો બોલી મારી દુકાનમાં ઘુસી આવી મને હાથમાં પહેરેલું કડંુ માથામાં મારતા મને લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ અજયે મારૃં ગળું પકડી લીધું હતું. તેમજ દુકાનનું ફનચર તેમજ ફોટાઓ પણ તોડી નાખ્યા હતા. ઉશ્કેરાયેલા અજયે સિલાઈ મશીનને પણ ધક્કો મારી નુકસાન કર્યુ હતું.આ કેસમાં વાડી પોલીસનો આરોપી પ્રત્યેનો પ્રેમ ઉડીને આંખે વળગે તેવો છે. સિનિયર સિટિઝને જણાવ્યું હતું કે, પોલીસે આરોપીને ૨૪ કલાક સુધી પણ લોક અપમાં ના રાખ્યો. વાડી પોલીસ કોઇપણ આરોપીનું આખું નામ,સરનામુ પણ જણાવવા તૈયાર નથી.