હાઇવે દુમાડ કટ પાસે કારની ટક્કરે સ્કૂટર સવાર મહિલાનું મોત
દંપતી છાણી ગામ સીમંત પ્રસંગમાં હાજરી આપી પરત આવતું હતું
વડોદરા,દુમાડથી જી.એસ.એફ.સી.જવાના રોડ પર થતા અકસ્માતોના કારણે ડિવાઇડરનો કટ બંધ કરી દેવામાં આવ્યો હતો. તેમછતાંય ગઇકાલે આ સ્થળે એક સ્કૂટર ચાલકને કાર ચાલકે ટક્કર મારતા મહિલાનું મોત થયું હતું. જે અંગે છાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વાઘોડિયા તાલુકાના જેસીંગપુરા ગામે રહેતા દિલીપભાઇ બાબુભાઇ ચૌહાણ, તેમના પત્ની રૃક્સાનાબાનુ તેમજ અન્ય સંબંધી નજમાબેન ગઇકાલે છાણી ખાતે સીમંત પ્રસંગે ગયા હતા. ત્યાંથી તેઓ બપોરે ત્રણ વાગ્યે ઘરે પરત આવવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન દુમાડથી જી.એસ.એફ.સી. હાઇવે તરફ જવાના રસ્તા પર આવેલા દુમાડ કટ ક્રોસ કરતા સમયે એક કાર ચાલકે તેઓને અડફેટે લેતા ત્રણેયને ગંભીર ઇજા થઇ હતી. જે પૈકી રૃક્સાનાબાનુનું મોત નિપજ્યું હતું. જ્યારે દિલીપભાઇ અને નજમાબેનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, દુમાડ કટ પાસે વારેઘડિયે થતા અકસ્માતના પગલે તે કટ બંધ કરી દેવામાં આવ્યો હતો.