સયાજીમાં ડેન્ગ્યૂની સારવાર લેતી મહિલાનું મોત થયું
છેલ્લા ૨૪ કલાક દરમિયાન ડેન્ગ્યૂનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો
વડોદરા,સયાજી હોસ્પિટલમાં ડેન્ગ્યૂની સારવાર લેતી ૩૮ વર્ષની મહિલાનું મોત થયું છે. જ્યારે ૨૪ કલાક દરમિયાન ડેન્ગ્યૂનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે.
શહેરમાં ડેન્ગ્યૂએ માથું ઉંચક્યું છે. આ વર્ષે ડેન્ગ્યૂના ટેસ્ટ માટે કુલ ૫,૦૨૨ નાગરિકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી ૧૯૪ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે છેલ્લા ૨૪કલાક દરમિયાન કુલ ૨૧ લોકોના સેમ્પલ ટેસ્ટિંગ માટે લેવામાં આવ્યા હતા. જે પૈકી એકનો રિપોર્ટે પોઝિટિવ આવ્યો છે. જ્યારે સમા સાવલી રોડ પર રહેતી ૩૮ વર્ષની મહિલાને ડેન્ગ્યૂ થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પી.એમ. કરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ચોવીસ કલાક દરમિયાન કોલેરાનો એક અને ઝાડાના ૭૦ કેસ નોંધાયા છે. રોગ નિયંત્રણ કામગીરી અંતર્ગત કોર્પોરેશનની ટીમ દ્વારા ૪૨૦ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. જ્યારે એક કન્સટ્રક્શન સાઇટ અને પાંચ સ્કૂલ, હોસ્ટેલોમાં ચકાસણી કરવામાં આવી હતી.