હાથીખાના વિસ્તારની મહિલાને કોલેરા થતા હોસ્પિટલમાં દાખલ
મકરપુરામાં ડેન્ગ્યૂ અને ભાયલીમાં મેલેરિયાના કેસ નોંધાયા
વડોદરા,શહેરમાં દૂષિત પાણીના કારણે રોગચાળો માથું ઉંચકી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોલેરાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. અત્યારસુધી સત્તાવાર રીતે કોલેરાના બે કેસ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ઝાડાના આજે વધુ ૪૮ કેસ નોંધાયા છે.
છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો થયો છે. તેમજ કોલેરાના પણ કેસ નોંધાયા છે. જેના પગલે આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. ચોવીસ કલાક દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ - અલગ વિસ્તારમાંથી ઝાડાના પાંચ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી હાથીખાના વિસ્તારમાં રહેતી ૪૫ વર્ષની મહિલા દર્દીનો કોલેરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યારસુધી કોલેરાના બે દર્દીઓ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મળીને આજે ૨૦ જેટલા કેસ ઝાડા ઉલટીના નોંધાયા છે. જ્યારે મકરપુરામાં ડેન્ગ્યૂ અને ભાયલીમાં મેલેરિયાના એક - એક કેસ નોંધાયા છે.