વડોદરામાં નોકરીયાત મહિલા પાસે ક્રૂડના સ્ટોકમાં ઇન્વેસ્ટ કરાવી ઠગાઈ કરી
image : Freepik
Fraud Case in Vadodara : વડોદરાની એક મહિલાને ઓનલાઈન ઠગોએ ક્રૂડ ઓઇલમાં સારું વળતર મળશે તેવી લાલચ આપી રહો એક લાખ ઉપરાંતની છેતરપિંડી કરતા મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે.
ભાઈલી વિસ્તારમાં રહેતા અસ્મિતાબેન સુર્વેએ પોલીસને કહ્યું છે કે, ડિસેમ્બર 2023માં સોશિયલ મીડિયા પર સર્ચ કરતી વખતે ટ્રેડિંગની જાહેરાત જોઈ હતી. જેમાં આપેલી લિંક પર ક્લિક કરતા એક ફોર્મ ખુલ્યું હતું. આ ફોર્મ ભર્યા બાદ મારા પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને ટ્રેડોન કંપનીમાંથી વાત કરું છું તેમ કહી કઈ રીતે ટ્રેડિંગ કરવાનું છે તે શીખવવા માટે બીજા એક એડવાઈઝર ફોન કરશે તેમ કહ્યું હતું.
મહિલાએ કહ્યું છે કે, ટ્રેડોન કંપનીમાં એકાઉન્ટ ખોલ્યા બાદ ફોન પે ઓપ્શન પરથી રૂ.500 ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ વેબસાઈટ પર રિયલ ટાઇમ ટ્રેડિંગ ડેટા દેખાતા હતા. મારી પાસે ક્રૂડના સ્ટોકમાં ટ્રેડિંગ ચાલુ કરવા માટે 12 હજાર ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજા રૂ.99,000 તેમજ 9,486 પણ ટ્રાન્સફર કરાવ્યા હતા.
મારા એકાઉન્ટમાં રૂ.3.50 લાખનું બેલેન્સ બતાવવામાં આવતું હતું. પરંતુ ત્યારબાદ વેબસાઈટ બંધ થઈ જતા મેં સમીર નામની વ્યક્તિને કોલ કર્યો હતો. ત્યારબાદ મારા ખાતામાં રૂ.20,792 જમા થયા હતા. પરંતુ બાકીની રકમ હજી મળી નથી તેમ જ કોઈ જવાબ પણ મળતો નથી. જેથી મારી સાથે ફ્રોડ થયું હોવાનું જણાતા સાયબર સેલને જાણ કરી છે.