વડોદરા પાસે 13 ફૂટના મહાકાય મગર સાથે ચેડાં કરતા આધેડ પુરુષનો વીડિયો વાયરલ
વડોદરાઃ વડોદરાની વિશ્વામિત્રી તેમજ અન્ય આસપાસની બીજી નદીઓમાં મગરો મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે અને મગરો રહેણાંક વિસ્તારોમાં પણ ધસી આવવાના બનાવ બની રહ્યા છે ત્યારે વડોદરા પાસેની નદીમાં એક મહાકાય મગર સાથે આધેડ વયનો પુરૃષ ચેડાં કરતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે.
વડોદરામાં મગરો મોટી સંખ્યામાં છે અને ગમે ત્યારે નદીમાંથી બહાર આવી રહ્યા હોવાના બનાવો બનતા હોય છે.વીસેક દિવસ પહેલાં ડભોઇ ના ભીલાપુર પાસે ટ્રેનની અડફેટે એક મગર આવી જતાં તેને મોંઢાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.જ્યારે તે પહેલાં પણ સમા રોડ પર વાહનની અડફેટે મગરનું મોત થયું હોવાનો બનાવ બન્યો હતો.
આવી જ રીતે વિશ્વામિત્રી બ્રિજ નીચેથી પણ અગાઉ એક મહાકાય મગરનો મૃતદેહ મળી આવ્યો હતો.જેના માથામાં પથ્થરનો ઘા વાગ્યો હોય તેવા નિશાન મળી આવ્યા હતા.
૧૨ થી ૧૩ ફૂટના મહાકાય અને વજનદાર મગર સાથે ચેડાં કરતો એક વીડિયો પણ જીવદયા પ્રેમીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.આધેડ વયનો એક પુરૃષ હાથમાં લાકડી લઇ મગરની પૂંછડી ઉંચકતો હોય અને તેની પીઠ તેમજ માથું થપથપાવતો હોય,ટપલી મારતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે.
આ વીડિયો ક્યાંનો છે તે ચોક્કસ કહી શકાય તેમ નથી.પરંતુ તેમાં ગ્રામ્ય વિસ્તારની ગુજરાતી બોલી સંભળાય છે.કહેવાય છે કે, વડોદરા નજીક પાદરા તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીનો આ વિડીયો છે.પરંતુ તેને સત્તાવાર સમર્થન મળતું નથી.