૧૯૮ પૈંડાના ટ્રેલર સાથે તોતિંગ વેસલ પુલ નીચેથી પસાર કરવા રોડ ખોદ્યો
વડોદરા નજીક ભીમપુરા પાસે રેલવે ઓવરબ્રિજ પાસે મલ્ટી એક્સેલ વ્હિલ અટકી ગયું ઃ ટ્રેલર સાથે વેસલની હાઇટ બ્રિજને ટચ થતી હોવાથી ખોદકામ
વડોદરા, તા.20 દહેજથી ૪૫૦ ટન વજનનું પ્રેશર વેસલ લઇને નીકળેલ ૧૯૮ વ્હિલનું ટ્રેલર વડોદરા પાસે ભીમપુરા રેલવે ઓવરબ્રિજ પાસે અટકી ગયું છે. ગુજરાત રિફાઇનરીમાં જવા નીકળેલું આ મોટુ ટ્રેલર એક સપ્તાહથી બ્રિજ નીચેથી નીકળવાની રાહ જુએ છે. હવે રેલવે ઓવરબ્રિજની નીચે રોડ ખોડી કાઢ્યો છે. બાદમાં આ સ્થળે લોખંડની પ્લેટો મૂકીને તેના પરથી ટ્રેલરને બ્રિજ નીચેથી પસાર કરાશે તેમ જાણવા મળ્યું છે. આ વેસલ પસાર કરવા માટે રોડની પહોળાઇ આશરે ૨૨ ફૂટ ખુલ્લી હોવી જોઇએ.
આ અંગેની વિગત એવી છે કે દહેજની એક ખાનગી કંપનીને ગુજરાત રિફાઇનરી તરફથી પ્રેશર વેસલ્સનો ઓર્ડર મળતાં કંપની દ્વારા તેને તૈયાર કરવામાં આવ્યું હતું અને બાદમાં તેને દહેજથી વડોદરા પાસે રિફાઇનરી સુધી પહોંચાડવા માટે આવા મોટા સાધનોનું વહન કરતી ટ્રાન્સપોર્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા મોટા કદનું પ્રેશર વેસલ લઇને દહેજથી તા.૧૦ એપ્રિલે નીકળ્યું હતું.
હાઇવે પર માંડ ૫થી ૧૦ કિ.મી.ની સ્પીડથી પસાર થતું મલ્ટી એક્સેલ વ્હિકલ એક સપ્તાહ પહેલાં જ વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં ભીમપુરા પાસે પહોંચ્યું હતું. એક્સપ્રેસ હાઇવેનો બ્રિજ પસાર કર્યા બાદ હવે થોડે દૂર રેલવે ઓવરબ્રિજ પાસે તે અટકી ગયેલ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બ્રિજની હાલની ઉંચાઇ પ્રમાણે જો વેસલ્સ લઇને વાહન પસાર થાય તો તે ફસાઇ જાય અને રેલવેના બ્રિજને નુકસાન થાય જેથી હવે રોડને ખોદી નાંખવાનો વિકલ્પ હાથ ધરવામાં આવ્યો છે.
કંપની દ્વારા રેલવે તેમજ જરૃરી વિભાગોની મંજૂરી મેળવીને આજે સાંજથી રોડ ખોદવાનું શરૃ કરવામાં આવ્યું છે. રોડને ઉંડો કર્યા બાદ પ્રેશર વેસલને બ્રિજ નીચેથી પસાર કરવામાં આવશે. રોડને ઉંડો કરવાનું કામ હજી બે દિવસ સુધી ચાલશે તેમ જાણવા મળ્યું છે. સામાન્ય સંજોગોમાં કોઇ વિધ્ન ના હોય તો વેસલ દહેજથી રિફાઇનરી સુધી બે દિવસમાં પહોંચી જાય પરંતુ દોઢ મહિના જેટલો સમય થઇ ગયો છે.