વડોદરા: મચ્છી ખરીદવાની આડમાં પર્સ ચોરી કરતી બુરખાધારી મહિલા ઝડપાઈ
વડોદરા, તા. 06 મે 2023 શનિવાર
વડોદરા શહેરના ગધેડા માર્કેટ ચાર રસ્તા ખાતે મચ્છી ખરીદવાની આડમાં પર્સ ચોરી કરતી બુરખાધારી મહિલાને વેપારીઓએ રંગે હાથ ઝડપી પાડી પોલીસના હવાલે કરી હતી. જ્યારે તેનો સાગરીત રીક્ષાચાલક ભાગી છુટવામાં સફળ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
શહેરના ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે મચ્છી માર્કેટ ભરાય છે. આજરોજ એક બુરખો પહેરેલી અજાણી મહિલા માછલી ખરીદવા પહોંચી હતી. આ દરમિયાન માછલી વેચતા ગોપીબેન કહારનું પર્સ ચોરવાનો તેણે પ્રયાસ કર્યો હતો. જેની જાણ ગોપીબેનને થતા મહિલાએ પર્સ ફેંકી સ્થળ પરથી નાશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અન્ય લોકોએ મહિલાને ઝડપી પાડી હતી. આ દરમિયાન તેનો સાગરીત રિક્ષાચાલક ફરાર થઈ ગયાનું પણ જણાવ્યું હતું. ઝડપાયેલ મહિલાને લઈ મચ્છીનો વેપાર કરતાં વેપારીઓ બાપોદ પોલીસ સ્ટેશન ઘસી ગયા હતા. અને આ ગુનામાં સંડોવાયેલ શખ્સને શોધી કાઢવાની માંગ કરી હતી. અત્રે નોંધનીય છે કે, અગાઉ પણ આ પ્રકારે 50 હજારની મત્તા સાથેના પર્સની ચોરી થઈ હતી. તે સંદર્ભે કલાવતી કહારે વારસિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં પણ આ જ મહિલા હોવાનું તેમણે જણાવ્યું છે.