માનવ તસ્કરીના રેકેટમાં સામેલ વડોદરાના એજન્ટે ૨૦૦ લોકોને વિદેશ મોકલ્યા
આરોપી તા. ૪ સુધીના રિમાન્ડ પર : સમગ્ર દેશભરમાંથી લોકોને છેતરીને કંબોડિયા મોકલ્યા હતા
વડોદરા,બેન્ક એકાઉન્ટમાંથી નાણાં ટ્રાન્સફર કરી ઠગાઇ કરતી ચાઇનીઝ ગેંગનું કંબોડિયામાં મોટું નેટવર્ક ચાલતું હતું. માનવ તસ્કરીના આ નેટવર્કમાં સામેલ વડોદરાની યુનિક એમ્પલોયમેન્ટ નામની સંસ્થાના એમ.ડી.ની ડીસીબી પોલીસે ધરપકડ કરી છે. આ ઇન્ટરનેશનલ કૌભાંડની તપાસ માટે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા તા. ૪ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે.
ઓરિસ્સાના ચટી ગંજમ જિલ્લાના ભેરાબી ગોલંથરા ખાતે શાંતિ નગરમાં રહેતા દિનબંધુ શાહુ નામનો એક યુવક વડોદરાના સુભાનપુરા ઇલોરાપાર્ક વિસ્તારમાં વિશ્વમોહિની એપાર્ટમેન્ટમાં યુનિક એમ્પ્લોયમેન્ટ સર્વિસના એમડી મનિષ બળવંતરાય હિંગુ(લાલજીકૃપા ફ્લેટ્સ,શક્તિ નગર સોસાયટીપાસે,વાસણા ) ને મળ્યો હતો. વિયેતનામમાં નોકરી અપાવવાનું કહીને વિઝા પ્રોસેસિંગ ફી નામે દોઢ લાખ લીધા હતા. મનિષ હિંગુએ વિયેતનામમાં ડેલ્ટા નામની કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટરની નોકરીનો ઓફર લેટર આપ્યો હતો. દિનબંધુ વિયેતનામ પહોંચ્યો ત્યારે એજન્ટ ક્રિષ્ણા પાઠકે જણાવ્યું હતું કે, ઓફર લેટરવાળી નોકરી બંધ થઇ ગઇ છે. વિક્કી નામનો એજન્ટ બીજી સારી નોકરી અપાવશે. વિક્કી તેને વિયેતનામથી કંબોડિયા લઇ ગયો હતો. ત્યાં તેને નામ વગરની કંપનીમાં નોકરી અપાવી પાસપોર્ટ લઇ લીધો હતો. આ નોકરીમાં ભારતના લોકોને અલગ - અલગ રીતે ચેટિંગ કરી ફ્રેન્ડશિપની જાળમાં ફસાવી લોભ લાલચ અને ધમકીઓ આપી બેન્ક એકાઉન્ટ હેક કરીને રૃપિયા ટ્રાન્સફર કરી લેતા હતા. દિનબંધુ આ નોકરી કરવા માંગતો નહીં હોવાથી તે કંપનીના અધિકારીએ ૨,૮૨૦ ડોલરની માંગણી કરી હતી.
આરોપી હાલમાં યુનિક એમ્પલોયમેન્ટ સર્વિસના નામથી જેતલપુર રોડ ઇન્ડિયા બુલ્સમાં ઓફિસ ધરાવે છે. પોલીસે મનિષ હિંગુની ધરપકડ કરી હતી. તેની ઓફિસમાં જઇને તપાસ કરતા અગાઉ વિદેશમાં મોકલેલા યુવકોના ડેટા મળ્યા હતા. કંપનીના બેન્ક એકાઉન્ટની વિગતો મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મનિષ હિંગુએ યુનિક એમ્પલોયમેન્ટ સર્વિસના નામથી ઉદયમમાં રજીસ્ટર કરાવીને ક્રિષ્ણા પાઠક અને આનંદ વિશ્વકર્માની સાથે પાર્ટનરશિપમાં મેન પાવર કન્સલટન્સીનો ધંધો વડોદરામાં ભાડાની ઓફિસ રાખી શરૃ કર્યો હતો. અત્યારસુધી તેઓએ સમગ્ર દેશમાંથી ૨૦૦ જેટલા લોકોને વિદેશ મોકલ્યા છે. આરોપીઓએ માનવ તસ્કરી કરી તેઓને ગુલામ જેવી લાચાર અને દયનીય પરિસ્થિતિમાં મૂકી દીધા હતા. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. સરકારી વકીલ ડી.એમ.પરમારની રજૂઆતો ધ્યાને લઇ અદાલતે તા. ૪ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.