પોલીસમેનનાં માતા-પિતાના આપઘાત કેસમાં એક વ્યાજખોર ઝડપાયો
- રાજકોટ પોલીસે ઝડપી લઇ ટંકારા પોલીસને સોંપ્યો
રાજકોટ : રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા પોલીસમેન મિલનભાઈ ખૂંટના હડાળા રહેતા પિતા નીલેશભાઈ અને માતા ભારતીબેને ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આ પગલું ભરી લીધાનું ખૂલ્યા બાદ બે વ્યાજખોરો સામે ગઇકાલે ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાંથી એક આરોપી દિવ્યેશ પરબતભાઈ ડવ (ઉ.વ.૪૦, રહે. સુખરામનગર, શેરી નં.૫, હરિ ધવા રોડ)ને એલસીબી ઝોન-૧ના સ્ટાફે ઝડપી લીધો હતો.
બેમાંથી એક આરોપી ઝડપાયા બાદ બીજા આરોપીની શોધખોળ
આ અંગે અશ્વિન રાવતભાઈ મારૂ અને દિવ્યેશ ડવ સામે ફરિયાદ નોંધાયા બાદ રાજકોટ એલસીબી ઝોન-૧ના સ્ટાફે ગઇકાલે દિવ્યેશને ઝડપી લઇ ટંકારા પોલીસને સોંપી દીધો હતો.
મૃતક દંપતીએ બંને આરોપીઓ પાસેથી ૪.૫૦ લાખ ૩ ટકા વ્યાજે લીધા હતા. જેની બંને આરોપીઓ પઠાણી ઉઘરાણી કરી, ધાક ધમકી આપી અસહ્ય ત્રાસ આપતા હતા. જેને કારણે દસેક દિવસ પહેલા મૃતક દંપતીએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લીધી હતી.