Get The App

અનોખો સંયોગ : જન્મ, અભ્યાસ, નોકરી અને નિવૃત્તિ એક જ બિલ્ડિંગમાં

જીવનના 59 વર્ષ એક જ કેમ્પસમાં વીતાવનાર નિવૃત્ત આચાર્ય અને સંગીતકાર અનિલકુમાર શ્રીવાસ્તવ 80 વર્ષની ઊમરે પણ નિરોગી અને સ્વસ્થ છે

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
અનોખો સંયોગ : જન્મ, અભ્યાસ, નોકરી અને નિવૃત્તિ એક જ બિલ્ડિંગમાં 1 - image


વડોદરા : ગોત્રી વિસ્તારમાં રહેતા ૮૦ વર્ષના નિવૃત્ત આચાર્ય અનિલકુમાર સીતારામ શ્રીવાસ્તવના જીવનમા બનેલો અનોખો સંયોગ જવલ્લેજ જોવા મળે છે. અનિલભાઇ દાહોદની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી આચાર્ય તરીકે નિવૃત્ત થઇને વડોદરા સ્થાયી થયા છે. દાહોદમાં તેમનો જે બિલ્ડિંગમાં જન્મ થયો, તે બિલ્ડિંગમાં જ તેમનું ભણતર થયું અને તે સ્થળે જ તેઓ નોકરીએ લાગ્યા અને નિવૃત્ત પણ ત્યાંથી જ થયા. કોઇ દિવસ સાંભળ્યુ છે આવું ?

અનિલભાઇ પોતાના જીવનમાં બનેલા અનોખા સંયોગ અંગે વાત કરતા કહે છે કે 'મારા દાદા સુંદરલાલ શ્રીવાસ્તવને રેલવેમાં નોકરી લાગી હોવાથી તેઓ ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લાના ઇટાવાથી દાહોદ આવ્યા હતા, જે બાદ મારા પિતા સીતારામ શ્રીવાસ્તવ પણ રેલવેમાં જ ચીફ ક્લાર્ક તરીકે નોકરીએ લાગ્યા અને દાહોદમા ંજ પોસ્ટિંગ થયું. પિતાજી દાહોદની રેલવે કોલોનીમાં રહેતા હતા. મારો જન્મ આઝાદીના ૩ વર્ષ પહેલાં ૧૦ ડિસેમ્બર ૧૯૪૪ના રોજ રેલવે કોલોનીના મેટરનિટી હોમમાં થયો.

મારા જન્મના ૩ વર્ષ બાદ મેટરનિટી હોમનું બિલ્ડિંગ રેલવેએ હિન્દી પ્રાઇમરી સ્કૂલ માટે આપ્યું. હું ૧ થી ૭ ધોરણ ત્યાં જ ભણ્યો. ત્યાર બાદ ગુજરાતી મીડિયમ હાઇસ્કૂલમાં ભણવા ગયો. સન ૧૯૬૯માં ૧૧માં ધોરણમાં ભણતો હતો ત્યારે જ મને હિન્દી પ્રાઇમરી સ્કૂલ કે જ્યાં મારો જન્મ થયો હતો ત્યાં મને હિન્દી શિક્ષક તરીકે નોકરી મળી ગઇ. નોકરી કરતા કરતા જ મેં પહેલા ગુજરાતી અને પછી હિન્દી વિષય સાથે એમ.એ. કર્યું, પીટીસી અને બી.એડ્ કર્યું. જેમ જેમ ભણતો ગયો તેમ મારી પોસ્ટ વધતી ગઇ. પ્રાઇમરીમાંથી માધ્યમિક અને પછી ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક બન્યો અને છેલ્લે વાઇસ પ્રિન્સિપાલ તરીકે તે સ્થળેથી જ વર્ષ ૨૦૦૩માં  નિવૃત્ત થયો. મારી જિંદગીના ૫૯ વર્ષ એટલે કે છ દાયકા એક જ કેમ્પસમાં વીતાવ્યા. આજે ૮૦ વર્ષની ઉમરે પણ સંપૂર્ણ સ્વસ્થ છુ અને કોઇ દવા લેવી પડતી નથી તેનું કારણ પણ કદાચ એ છે કે મારી જિંદગીમાં ભાગદોડ ઓછી રહી. 

અનોખો સંયોગ : જન્મ, અભ્યાસ, નોકરી અને નિવૃત્તિ એક જ બિલ્ડિંગમાં 2 - image

સિનિયર સિટીઝન ક્લબોમાં હાર્મોનિયમ પ્લેયર તરીકે નિઃસ્વાર્થ સેવા

અનિલભાઇ મૂળ સંગીતનો જીવ છે. ૮૦ વર્ષની ઉમરે પણ તેઓ એટલે સક્રિય છે કે  તેઓ વડોદરાની ૧૦૦થી વધુ સિનિયર સિટીઝન ક્લબો સાથે જોડાયેલા છે અને નિઃસ્વાર્થ ભાવે સંગીત પીરસીને મનોરંજન કરી રહ્યા છે. તેઓ વડોદરામાં પોલોગ્રાઉન્ડ ખાતે યોજાતી રામલીલામાં પણ વર્ષોથી હાર્મોનિયમ વગાડે છે. આ દશેરામાં પણ તેઓએ રામલીલા વખતે ૩ કલાક સુધી અન્ય વાદકો સાથે હાર્મોનિયમ વગાડયું હતું. ડ્રોઇંગ અન ેપેન્સિલ સ્કેચ પણ તેઓ સુંદર બનાવે છે.તેઓ કહે છે કે મારા પિતાજી સીતારામ શ્રીવાસ્તવ શાસ્ત્રીય ગાયક અને હાર્મોનિયમ પ્લેયર હતા.  મેં તેમની પાસેથી જ તાલીમ લીધી. હું છઠ્ઠા ધોરણમાં હતો ત્યારથી હાર્મોનિયમ વગાડુ છું. 


Google NewsGoogle News