Get The App

રાયકા ટોલનાકા પાસે રૃા.૫૨.૧૪ લાખનો દારૃનો જથ્થો ભરેલી ટ્રક ઝડપાઇ

ડીસામાં રહેતા ટ્રકના માલિક સહિત ચાર ફરાર ઃ એલઇડીનો સ્ક્રેપ સહિત રૃા.૬૨.૭૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
રાયકા ટોલનાકા પાસે રૃા.૫૨.૧૪ લાખનો દારૃનો જથ્થો ભરેલી ટ્રક ઝડપાઇ 1 - image

વડોદરા, તા.13 વડોદરા નજીક નવા બનેલા મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ હાઇવેના રાયકા ટોલનાકાની નજીક સર્વિસ રોડ પર ઊભેલી એક બિનવારસી ટ્રકમાંથી દારૃનો રૃા.૫૨.૧૪ લાખનો મોટો જથ્થો એલઇડી સ્ક્રેપના બોક્સો નીચે છુપાવેલો સ્ટેટ વિજિલન્સે ઝડપી પાડયો હતો. ડ્રાઇવર સહિત કોઇ નહી જણાતા કુલ ચાર શખ્સોને પોલીસે ફરાર જાહેર કર્યા હતાં.

આ અંગેની વિગત એવી છે કે સ્ટેટ વિજિલન્સની ટીમ વડોદરા શહેરમાં વોચમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ગોલ્ડન બ્રાઉન રંગની આઇશર ટ્રક પર પીળા રંગની તાડપત્રી બાંધી છે આ ટ્રક મુંબઇ-દિલ્હી નેશનલ એક્સપ્રેસ હાઇવે નંબર-૪ પર રાયકા ટોલનાકા પાસેના સર્વિસરોડ પર ઊભી છે અને તેમાં દારૃનો જથ્થો ભર્યો છે. આ બાતમી મુજબ વિજિલન્સની ટીમે સ્થળ પર જઇને મધરાત્રે તપાસ કરતાં બાતમી મુજબની ટ્રક મળી હતી.

ટ્રકને કોર્ડન કરી તપાસ કરતાં ડ્રાઇવર કેબિનમાં કોઇ મળ્યું ન હતું જેથી ટ્રકની પાછળ તાડપત્રી ખોલીને જોતા ખાખી રંગના બોક્સો મળ્યા હતાં. આ બોક્સમાં તપાસ કરતાં અંદરથી સ્ક્રેપ થયેલી એલઇડી લાઇટો, જૂની ટયૂબલાઇટો મળ્યા હતાં. અન્ય બોક્સ જોતા વજનમાં ભારે જણાયા હતાં. આ  બોક્સ ખોલીને જોતા દારૃની  બોટલો મળી હતી. દરમિયાન ટ્રકને ભાદરવા પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવી હતી. પોલીસે રૃા.૫૨.૧૪ લાખ કિંમતની ૬૭૦૫ નંગ દારૃની બોટલો મૂકેલ બોક્સો, આઇશર ટ્રક, એલઇડી અને ટયૂબલાઇટોનો સ્ક્રેપ મળી કુલ રૃા.૬૨.૭૨ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

ટ્રકની કેબિનમાં ટ્રકના રજિસ્ટ્રેશનના કાગળોની ઝેરોક્સ મળી હતી જેમાં માલિક મોહંમદઇકબાલ અબ્દુલ્લા શેખ (રહે.પાણીના ટાંકા પાસે, બારછોટાપુર, તા.ડીસા, જિલ્લો બનાસકાંઠા) જાણવા મળ્યું હતું. આ અંગે ટ્રકના ડ્રાઇવર, માલિક તેમજ દારૃનો જથ્થો મોકલનાર અને મંગાવનાર સામે ભાદરવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તેની તપાસ મંજુસર પીઆઇને સોંપવામાં આવી છે.




Google NewsGoogle News