ગાય, વાછરડા અને ભેંસને ક્રૂરતાપૂર્વક બાંધીને લઇ જતો ટ્રક ડ્રાઇવર ઝડપાયો

રાજકોટના એક ગૌ ફાર્મમાંથી પશુઓ સોનગઢ વ્યારા લઇ જવાતા હતા

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
ગાય, વાછરડા અને ભેંસને ક્રૂરતાપૂર્વક બાંધીને લઇ જતો ટ્રક ડ્રાઇવર ઝડપાયો 1 - image

વડોદરા,રાજકોટથી ટ્રકમાં ખીચોખીચ ભરીને લઇ જવાતા ગાય, વાછરડા અને ભેંસને એનિમલ વેલફેર સમિતિના સભ્યે છોડાવી પાંજરાપોળમાં મૂકાવી હતી. બાપોદ પોલીસે  આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે.

એનિમલ વેલફેર સમિતિમાં કામ કરતા જતિન વ્યાસે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૧૬મી એ મને માહિતી મળી હતી કે, ધોરાજીથી ગાય તથા ભેંસો ભરીને એક ટાટા આઇશર ટ્રક સોનગઢ વ્યારા જવાની છે.તેનો ડ્રાઇવર મેરાભાઇ રબારી છે. જેથી, હું ઘરેથી નીકળીને એરફોર્સ બ્રિજથી સુરત જવાના રોડ પર વોચમાં ઉભો રહ્યો હતો. તે દરમિયાન એક ટ્રેક શંકાસ્પદ લાગતા મેં પીછો કરીને ટ્રક હાઇવે પર જગદીશ ફરસાણ પાસે ઉભી  રખાવી હતી. ટ્રકમાં તપાસ કરતા ગાયો અને ભેંસો ખીચોખીચ ભરેલી હતી. દોરડા વડે તેઓને બાંધીને મોંઢા પણ બાંધી દીધા હતા. ગાયોના પગની બાજુમાં વાછરડા પણ હતા. જે અંગે બાપોદ પોલીસને જાણ કરતા પોલીસ આવી હતી. પોલીસની મદદથી ટ્રક પાંજરાપોળમાં લઇ ગયા હતા. ટ્રકમાં બે ભેંસ, ૬ ગાય, બે વાછરડા અને એક પાડુ હતા. ટ્રક ડ્રાઇવરે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, તમામ પશુઓ રાધે ગીર ગૌ ફાર્મ જૂનાગઢ રોડ ધોરાજી ખાતેથી રાજુ ભગવાનજી આહિર ( રહે.  પાણીની ટાંકીની બાજુમાં, જેતપુર રોડ, તા.ધોરાજી, જિ.રાજકોટ) દ્વારા અરવિંદ મુળુભાઇ આહિરને સોનગઢ વ્યારા ખાતે વેચી હતી. અને હું પશુઓ વ્યારા લઇ જતો હતો. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે.


Google NewsGoogle News