અલકાપુરીમાં જ્વેલર્સના શો રૃમમાંથી ચોરી કરનાર ચોર ત્રિપુટી ઝડપાઇ
સુરતના જ્વેલર્સની ત્યાંથી ૧ કરોડની ચોરીના ગુનામાં આરોપીઓ સુરત પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા
વડોદરા,ગત મે મહિનામાં પરોઢિયે અલકાપુરી વિસ્તારમાં જ્વેલર્સ શો રૃમમાં ત્રાટકેલા લૂંટારા સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરી પોણા બે લાખના દાગીના લૂંટી ગયા હતા. આ ગુનામાં સંડોવાયેલી ચોર ટોળકી સુરત પોલીસના હાથે ઝડપાઇ હતી. ત્યાંના ગુનાની તપાસ પૂરી થતા સયાજીગંજ પોલીસે તેઓનો ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
અલકાપુરી કોન્કર્ડ બિલ્ડિંગના સેમી બેઝમેન્ટ એલજીમાં બાબુભાઇ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા જીજ્ઞોશ સોનીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતુ ંકે, ગત તા. ૨૯ મી એ પરોઢિયે ચાર વાગ્યે નંબર પ્લેટ વગરની ઇકો કાર લઇને આવેલા ચાર લૂંટારા મારી દુકાનના શટરના બે તાળાં તોડી અંદર ઘુસ્યા હતા.અમે મોટાભાગના દાગીના લોકરમાં મૂકતા હોવાથી લૂંટારા બહાર ટ્રેમાં મુકેલા ૧૮ કેરેટના ૧૦૦ જેટલા દાગીના (રૃ.પોણા બે લાખ) લૂંટી ગયા હતા.
આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ રાજેન્દ્ર પાલે તેમને પડકારતાં લૂંટારાઓ પૈકી એક જણાએ તેના માથામાં પાઇપ ફટકારી હતી.બીજા ગાર્ડ આવી જતાં લૂંટારા કારમાં ફરાર થઇ ગયા હતા.આ દરમિયાન ૧૦ ચેન નીચે વેરણછેરણ પડી ગઇ હતી.સયાજીગંજ પોલીસે આ અંગે લૂંટનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપીઓ સુરત પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. ઉમરા પોલીસ સ્ટેશનમાં જ્વેલરી શોપમાં થયેલી ૧ કરોડની ચોરીનો ગુનો દાખલ થયો હતો. સુરતમાં તેઓના રિમાન્ડ પૂરા થયા પછી ટ્રાન્સફર વોરંટના આધારે સયાજીગંજ પોલીસે તેઓનો કબજો મેળવી કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પકડાયેલા આરોપીઓમાં (૧) કર્નલસીંગ હરિસીંગ ટાંક ( રહે. રાધે સોસાયટી, ચાવજ ગામ,તા.જિ.ભરૃચ) (૨) સસપાલસીંગ તારસિંહ કલાણી ( રહે.શિવાય નગર, થાણે,જિ.થાણે, નવી મુંબઇ) તથા (૩) શેરૃસીંગ કાલુસીંગ તીલપિતીયા ( રહે. ફુલકુવા સોસાયટી, ખંભાત, જિ.આણંદ) નો સમાવેશ થાય છે.