પુત્રને કેનેડા મોકલવાનું વિધવા શિક્ષિકાનું સ્વપ્ન ટ્રાવેલ એજન્ટ દંપતીએ રોળી દીધું

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
પુત્રને કેનેડા મોકલવાનું વિધવા શિક્ષિકાનું સ્વપ્ન ટ્રાવેલ એજન્ટ દંપતીએ રોળી દીધું 1 - image

image : Freepik

વડોદરા,તા.16 ડિસેમ્બર 2023,શનિવાર

વડોદરાની એક શિક્ષિકાનું પુત્રને કેનેડા મોકલવાના સ્વપ્ન પર અમદાવાદના ટ્રાવેલ એજન્ટ દંપત્તિએ પાણી ફેરવી દીધું હતું. હરણી પોલીસે દંપતી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરના વીઆઈપી રોડ વિસ્તારમાં સુંદરમ પાર્કમાં રહેતા અને ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ખુશ્બુબેન શુક્લાએ (મૂળ સીપોર ગામ વડનગર) પોલીસને કહ્યું છે કે, મારા પુત્રને કેનેડા મોકલવાનો હોવાથી મારી એક બહેનપણી મારફતે અમદાવાદ સીટીએમ ક્રોસ રોડ પાસે શિરોમણી કોમ્પલેક્સમાં આમંત્રણ વિઝા કન્સલ્ટન્સી ધરાવતા હિતેશ નગીન પટેલ અને શિવાંગી હિતેશ પટેલ (લક્ષ્મીનગર,બારેજા,અમદાવાદ) નો સંપર્ક થયો હતો.

હું તેઓની ઓફિસે મેં 2021 માં ગઈ હતી અને મારા પુત્રને કેનેડા મોકલવા માટેના તમામ દસ્તાવેજો મોકલી બંને પતિ પત્નીએ માંગ્યા મુજબ કુલ રૂ.28.92 લાખ ચૂકવ્યા હતા. પરંતુ મારા પુત્રની ફાઈલ રિજેક્ટ થતા મેં આ રકમ પરત માગી હતી.

શિક્ષિકાએ કહ્યું છે કે મને ટુકડે ટુકડે 6.50 લાખ પરત કરવામાં આવ્યા હતા. પરંતુ બાકીની રકમ મળતી નહીં હોવાથી મેં કારેલીબાગ પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસ સમક્ષ તેમજ નોટરી સમક્ષ હિતેશ પટેલે રકમ પરત કરવાની બાહેધરી આપી હતી પરંતુ હજી સુધી મને કુલ 22.42 લાખ ચૂકવ્યા નથી. જેથી હરણી પોલીસે બંને પતિ પત્ની સામે ગુનો દાખલ કર્યો છે.


Google NewsGoogle News