Get The App

વડોદરાના ટ્રાન્સપોર્ટરે બોગસ બેન્ક એકાઉન્ટ ખોલાવી ૧૩.૭૮ લાખ પડાવી લીધા

કોન્ટ્રાક્ટની દેખરેખ માટે રાખેલા વડોદરાના ટ્રાન્સપોર્ટરે ખોટા દસ્તાવેજોના આધારે બોગસ બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
વડોદરાના ટ્રાન્સપોર્ટરે બોગસ બેન્ક એકાઉન્ટ ખોલાવી ૧૩.૭૮ લાખ પડાવી લીધા 1 - image

વડોદરા,ભાગીદારી પેઢીના ખોટા  દસ્તાવેજો બનાવી  બોગસ બેન્ક એકાઉન્ટ ખોલાવી ૧૩.૭૮ લાખની છેતરપિંડી કરનાર કોન્ટ્રાક્ટર સામે સમા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ જજીસ બંગલોઝ રોડ પર આકાશ ટાવરમાં રહેતા અમન પુષ્પેન્દ્રભાઇ કટારિયાએ સમા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું અને મારો પરિવાર અમદાવાદ દરીયાપુર દરવાજા ખાતે કટારિયા ટ્રાન્સપોર્ટ એન્ડ કંપનીના નામથી છેલ્લા ૨૦ વર્ષથી ધંધો કરીએ છીએ. આ કંપનીમાં ભાગીદાર તરીકે હું, આકાશ દગડા અને મિનલ દાગડા છીએ. આ પેઢીમાં મારો પચાસ ટકા ભાગ છે. અમારી પેઢીના નામે ઇન્દોરમાં એચ.ડી.એફ.સી. બેન્કમાં કરંટ એકાઉન્ટ છે.

મુંબઇ ઇસ્ટ બાંદ્રા કુર્લા કોમ્પલેક્સ ખાતે આવેલી જે.વી.એસ. સ્ટીલ લિ. તેમજ છત્તીસગઢ રાયગઢ ખાતે આવેલ જીંદાલ સ્ટીલ એન્ડ પાવર લિ.ની કંપનીએ નવેમ્બર ૨૦૨૧ થી માર્ચ ૨૦૨૨ સુધી વડોદરામાં રેલવેમાં ડેમરેજ અને વોરફેજનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો. 

 આ કોન્ટ્રાક્ટની દેખરેખ માટે અમે વર્ષ ૨૦૧૯  - ૨૦૨૦ માં શ્રી શર્મા રોડ લાઇન્સના  વિશાલ શંકરપ્રસાદ શર્માને રાખ્યા હતા. વિશાલ શર્મા રેલવે તરફથી કોન્ટ્રાક્ટ અંગેના રિફંડના નાણાં મેળવવા અંગેની કાર્યવાહી પણ કરતો હતો. 

નવેમ્બર ૨૦૨૧ થી માર્ચ ૨૦૨૨ સુધીના રેલવે ઓથોરાઇઝ્ડ તરફથી ડેમરેજ અને વોરફેજ કોન્ટ્રાક્ટના અમારી પેઢીના બાકી નીકળતા રૃપિયા ૧૩.૭૮ લાખ ચૂકવવામાં આવ્યા નહતા. આ બાબતે   વડોદરા રેલવે ડિવિઝન ખાતે જઇ રિફંડના નાણાં અંગે તપાસ કરતા જાણવા મળ્યું  હતું કે, ફેબુ્રઆરી ૨૦૨૩ માં અમારા રિફંડના નાણાં જમા કરાવી દીધા છે. વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, વિશાલ શર્માએ વડોદરા ગ્રામીણ બેન્ક, વેમાલી શાખા, વડોદરામાં ખોટા દસ્તાવેજો રજૂ કરી અમારી પેઢીના નામનું બોગસ  બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું હતું.તે એકાઉન્ટમાં ૧૩.૭૮ લાખ જમા કરાવ્યા હતા. આ અંગે વિશાલ શર્માને પૂછતા તેણે જણાવ્યું હતું કે, નવેમ્બર ૨૦૨૩ સુધીમાં રૃપિયા ચૂકવી દેવાનું જણાવ્યું હતું. પરંતુ,તેણે  રૃપિયા ચૂકવ્યા નહતા.


Google NewsGoogle News