નરસિંહજીના મંદિરથી પરંપરાગત વરઘોડો નીકળ્યો, તુલસીવાડીમાં વિવાહ યોજાયા
દેવ દિવાળીએ વડોદરાના મંદિરો દિવડાઓથી ઝગમગી ઉઠયા
વડોદરા : ચાર દરવાજા વિસ્તારમાં આવેલી નરસિંહજીની પોળમાં સ્થિત પ્રાચીન નરસિંહજીના મંદિરથી આજે સાંજે દેવ દિવાળી નિમિત્તે વરઘોડો નીકળ્યો હતો. વરઘોડાનું ઠેર ઠેર સ્વાગત થયુ હતું. તુલસીવાડી સ્થિત તુલસી મંદિરમાં ભગવાનના લગ્ન યોજાયા હતા જે બાદ મોડી રાત્રે ભગવાન નરસિંહજી નીજ મંદિર પરત ફર્યા હતા.
ભજન મંડળીઓ, બેન્ડ વાજા, નાસિક ઢોલ સાથે હજારો શ્રધ્ધાળુઓ વરઘોડામાં જોડાયા, તુલસી વિવાહ બાદ વરઘોડો નીજ મંદિર પરત ફર્યો
નરસિંહજીનો વરઘોડો વડોદરાના પ્રાચીન પરંપરાઓ પૈકી એક છે. નરસિંહજીના મંદિરમાં આજે સવારથી જ ચાંલ્લા વિધિ માટે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. બપોર સુધી ચાંલ્લા વિધિ યોજાઇ હતી જે બાદ મહિલા મંડળોએ લગ્ન ગીતો શરૃ કર્યા હતા. શહેરના તમામ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિ અને હજારો શ્રધ્ધાળુઓની હાજરીમાં ભગવાન નીજ મંદિરમાંથી બહાર આવ્યા હતા અને પાલખીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. પરંપરા અનુસાર કહાર સમાજના લોકોએ પાલખીને ઊચકી હતી જે સાથે જ હાથી ઘોડા પાલખી... જય હો નરહરી લાલકી...ના નારાથી નરસિંહજીની પોળ ગુંજી ઉઠી હતી.
ભગવાનનો વરઘોડો પરંપરા મુજબ પહેલા નાના નરસિંહજી મંદિર ખાતે પહોંચ્યો હતો જ્યાં નાના નરસિંહજી સાથે ભેટ બાદ વરઘોડો પોળમાંથી મુખ્ય માર્ગ ઉપર આવ્યો હતો. મહિલા મંડળો, ભજન મંડળીઓ, નાસીક ઢોલ, બેન્ડ વાજા સાથે વરઘોડો આગળ વધ્યો હતો જેમાં હજારો શ્રધ્ધાળુઓ જાનૈયા બનીને જોડાયા હતા.વરઘોડો માંડવી, ચાંપાનેર ગેટ, ફતેપુરા થઇને તુલસીવાડી પહોંચ્યો હતો. વરઘોડાના સમગ્ર રૃટ ઉપર શ્રધ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. તુલસીવાડી ખાતે કન્યા પક્ષના લોકોએ વરઘોડાનું સ્વાગત કર્યુ હતું. નરસિંહજીને વિધિ પ્રમાણે પોંખવામાં આવ્યા હતા જે બાદ નરસિંહજી અને તુલસીજીના વૈદિક પરંપરા અનુસાર લગ્ન થયા હતા.
ઉલ્લેખનીય છે કે આજે દેવતાઓ દિવાળી મનાવતા હોવાની માન્યતા છે એટલે આ પર્વનું ખાસ મહત્વ હોવાથી વડોદરાના તમામ મંદિરોમાં વિશેષ દર્શન પુજા યોજાયા હતા. આ ઉપરાંત મંદિરોમાં સાંજ ઢળતા જ દિવડાઓથી ઝગમગી ઉઠયા હતા.