થાઇલેન્ડની ફેમિલી ટૂર માટે બુકીંગ કરાવનાર વેપારીએ ૧.૩૯ ગુમાવ્યા
કિડ્સબર્ગ હોલિડે સોલ્યુશન નામની કંપનીના ડાયરેક્ટર સામે ફરિયાદ
વડોદરા,થાઇલેન્ડની ફેમિલી ટૂર માટે કિડ્સબર્ગ હોલિડે સોલ્યુશન નામની કંપનીની વેબસાઇટ પરથી નંબર મેળવી બુકીંગ કરાવનાર વેપારીએ ૧.૩૯ લાખ ગુમાવ્યા હતા. જે અંગે અકોટા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અલકાપુરીની સુવર્ણપુરી સોસાયટીમાં રહેતા સિદ્ધાર્થ જયકિશોર ચતુર્વેદી એશિયન પેટ્રો પ્રોડક્ટ્સ એન્ડ એક્સપોર્ટ નામથી કેમિકલ અને પ્લાસ્ટિકનો વેપાર કરે છે. અકોટા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારે પરિવાર સાથે થાઇલેન્ડ ફરવા જવું હોવાથી થાઇલેન્ડની ટૂર માટે ગૂગલ પર સર્ચ કરતા કિડ્સબર્ગ હોલિડે સોલ્યુશન કંપનીનું પેકેજ જણાયું હતું. કંપનીની વેબસાઇટ પરથી મળેલા કોન્ટેક્ટ નંબરના આધારે અમે કોલ કરતા મિસ્ટર સિંગ નામની વ્યક્તિ સાથે વાત થઇ હતી. તેમણે પેકેજમાં ત્રણ વ્યક્તિઓ માટે ૧.૩૧ લાખ થશે. તેવું જણાવ્યું હતું. અમે રૃપિયા ટ્રાન્સફર કરતા મિસ્ટર સિંગે જણાવ્યું હતું કે, ટૂરના બે દિવસ પહેલા ફ્લાઇટની ટિકિટ,હોટલ્સની માહિતી મળી જશે. ત્યારબાદ અમને તારીખ અનુકૂળ નહીં આવતા મિસ્ટર સિંગને અમારા રૃપિયા પરત આપી દેવા જણાવ્યું હતું. પરંતુ, તેઓએ રૃપિયા પરત કર્યા નહતા. કિડ્સબર્ગ હોલિડે સોલ્યુશન નામની કંપનીની વેબસાઇટ જોતા કંપનીના ડાયરેક્ટર મિસ્ટર ભુપિન્દ્રસિંગ દર્શનસિંગ ( રહે. અંબાલા સિટિ, હરિયાણા) હોવાનું જણાઇ આવ્યું હતું. કંપનીએ ૧.૩૯ લાખ લઇ મારી સાથે છેતરપિંડી કરી હતી.