Get The App

એફસીઆઇના ચેરમેનની ઓળખ આપી રોફ જમાવતો ઠગ પકડાયો

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
એફસીઆઇના ચેરમેનની ઓળખ આપી રોફ જમાવતો ઠગ પકડાયો 1 - image


ગાંધીનગરની વિવિધ સરકારી કચેરીઓમાં પ્રવેશ મેળવવા

પોલીસ ભવનમાં અધિકારીઓને આમંત્રણ આપવા આવતા તપાસના અંતે ભાંડો ફૂટયો :  સે-૨૧ પોલીસે વધુ તપાસ આદરી

ગાંધીનગર :  ગાંધીનગરમાં સરકારના વિવિધ હોદ્દાઓની ઓળખ આપીને રોફ જમાવતા ગઠિયાઓની સંખ્યા વધી રહી છે ત્યારે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે વીઝીટીંગ કાર્ડ છપાવીને સરકારી કચેરીઓમાં ફરતા ઠગને ગાંધીનગર પોલીસે ઝડપી લીધો છે. પોલીસ ભવનમાં અધિકારીઓને દશેરાના કાર્યક્રમનું આમંત્રણ આપવા પહોંચ્યો હતો અને શંકાને આધારે તપાસ કરવામાં આવતા સમગ્ર બાબતનો ભાંડો ફૂટયો હતો. હાલ તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

પાટનગર ગાંધીનગરમાં વિવિધ સરકારી કચેરીઓ આવેલી છે ત્યારે અહીં સરકારમાં પોતાની ઓળખ હોવાનું કહીને ઘણા લોકો નિર્દોષ નાગરિકો સાથે છેતરપિંડી કરતા હોય છે ત્યારે ઘણી વખત આવા શખ્સો જાતે જ અધિકારી કે અન્ય હોદ્દેદારો હોવાનો ડોળ કરીને સરકારી કચેરીઓમાં ફરતા હોય છે અને વીઝીટીંગ કાર્ડ છપાવી સરકારી કચેરીઓમાં પણ સરળતાથી પ્રવેશ મેળવી અધિકારીઓ સાથે રોફ જમાવતા હોય છે ત્યારે આવી જ વધુ એક ઘટના બહાર આવવા પામી છે. જેમાં ગત ૧૪ ઓક્ટોબરના રોજ ગાંધીનગરના પોલીસ ભવન ખાતે જમાદાર પુણ્યદેવ રાય દ્વારા ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરીનું કાર્ડ બતાવીને પ્રવેશ મેળવ્યો હતો અને અધિકારીઓને પણ પોતાના વીઝીટીંગ કાર્ડ મોકલી તેમને ગાંધીધામ ખાતે નવરાત્રી અને રામલીલા મહોત્સવમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું હતું. જોકે આ અંગે પોલીસ ભવનમાં રહેલા અધિકારીઓને શંકા જતા સેક્ટર ૨૧ પોલીસના જાણ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશ ડામોર દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી હતી અને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સેકરીટરી તરીકેની ઓળખ આપનાર આ શખ્સ મૂળ બિહારના અને હાલ કચ્છ ગાંધીધામના આદિપુર ખાતે ૭ ઓમ કોમ્પ્લેક્સમાં રહેતા જમાદાર પુણ્યદેવ રાયને પૂછપરછ માટે ગાંધીનગર બોલાવ્યો હતો જ્યાં તેણે કોઈ જ સરકારી નોકરી નહીં કરતો હોવાનું અને પોતે લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું. જોકે તેણે સરકારી કચેરીઓમાં તેમજ સંસ્થાઓમાં સરળતાથી પ્રવેશ મળે તે માટે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી તરીકેના કાર્ડ છપાવીને ફરતો હોવાનું જણાવ્યું હતું. જેથી હાલ તેની સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી લેવામાં આવી છે. એટલું જ નહીં પોલીસ દ્વારા તેના રિમાન્ડ પણ માંગવામાં આવશે અને અગાઉ આ ઓળખ થકી અન્ય કોઈ લાભો લીધા છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News