શિક્ષિકાને ધમકાવી ૯૦ હજાર એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લેતો ઠગ
બીજી વખત પણ વીડિયો કોલ કરી પૈસા માંગ્યા, શિક્ષિકાએ ના પાડતા જાનથી મારી નાંખવાની ધમકી આપી
વડોદરા,તમે થાઇલેન્ડમાં ડ્રગ્સ મોકલ્યું છે. તેવું કહીને શિક્ષિકાને ધમકાવી તેમના એકાઉન્ટમાંથી ૯૦ હજાર ટ્રાન્સફર કરાવી લેનાર આરોપી સામે મહિલાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તરસાલી બાયપાસ રોડ ધન લક્ષ્મી સોસાયટીમાં રહેતા રાગિણીબેન ઝીણાભાઇ રાઠવા માણેજા ખાતે આવેલી બાબાજીપુરા સ્કૂલમાં નોકરી કરે છે. તેમણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પતિ એચ.ડી.એફ.સી. બેન્કમાં નોકરી કરે છે. ગત તા.૨૨ મી એ સવારે સાડા નવ વાગ્યે મારા મોબાઇલ પર કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ મને કહ્યું હતું કે, હું કુરિયરમાંથી બોલું છું. તમે થાઇલેન્ડ ડ્રગ્સ મોકલ્યું છે. તેમાં તમારૃં નામ છે. તમારો કોલ દિલ્હી સાયબર ક્રાઇમ પોલીસને ટ્રાન્સફર કરવામાં આવે છે. તે સમયે હું ખૂબ જ ગભરાઇ ગઇ હતી. મેં તેઓને કહ્યું કે, હું અહીંયા લોકલ પોલીસને જાણ કરૃં છું. ત્યારે તે વ્યક્તિએ એવું કહ્યું કે, આ બધી મેટર ગુપ્ત છે. તમે કોઇને વાત કરશો તો તમારી માહિતી ગુપ્ત રહેશે નહીં અને તમે ફસાઇ જશો. અમે જે રીતે કહીએ તે રીતે કાર્યવાહી કરો. તમારા કેસનો નિકાલ થઇ જશે. મેં તેઓને કાર્યવાહી કરવાની હા પાડી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસ સી.બી.આઇ.માં કોલ ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. થોડીવાર પછી મારો મોબાઇલ ફોન પર વીડિયો કોલ આવ્યો હતો. તેમણે પોતાનું નામ સુનિલ કુમાર જણાવ્યું હતું. વીડિયો કોલમાં કોઇ વ્યક્તિ દેખાતી નહતી. તે અંગે મેં પૂછતા તેઓએ એવું જણાવ્યું કે, અમારી ગુપ્તતા રાખવાની નીતિ છે. મને કેસમાં ફસાવી દેવાનું કહેતા મેં તેઓએ આપેલા એકાઉન્ટ નંબરમાં ૯૦ હજાર ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ફરીથી કોલ કરીને પૈસાની માંગણી કરવામાં આવી હતી. મેં ના પાડતા મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.