Get The App

સરકારી નોકરીના બહાને રૃપિયા 1.44 કરોડની છેતરપિંડી કરનાર ઠગ પકડાયો

Updated: Dec 29th, 2023


Google NewsGoogle News
સરકારી નોકરીના બહાને રૃપિયા 1.44 કરોડની છેતરપિંડી કરનાર ઠગ પકડાયો 1 - image


ફરાર થઇ ગયા બાદ સસરાના ઘરે આવતા પોલીસે ઝડપી લીધો

સચિવાલયમાં ઝેરોક્ષ સેન્ટર ચલાવતા શખ્સે ઊંચા શોખ પૂરા કરવા માટે ઓળખાણ હોવાનું કહી લોકોને છેતર્યા હોવાની કબુલાત

ગાંધીનગર :  પાટનગર ગાંધીનગર શહેરમાં સરકારી નોકરી આપવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા ગઠિયા સક્રિય છે ત્યારે નવા સચિવાલયમાં ઝેરોક્ષ સેન્ટર ચલાવતા શખ્સે ઉપર સુધી ઓળખાણ હોવાનું કહીને વર્ગ ત્રણની જગ્યાઓ માટે ૨૭થી વધુ લોકો પાસેથી બે થી પાંચ લાખ રૃપિયા સુધીની રકમ લઈને ૧.૪૪ કરોડની છેતરપિંડી આચરી હતી ત્યારે એલસીબી દ્વારા આ ઠગને ઝડપી લેવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં સરકારની વિવિધ કચેરીઓ આવેલી છે ત્યારે અહીં અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનું કહી લોકોને સરકારી નોકરી અપાવવા માટે લાખો રૃપિયા પડાવતા ગઠિયાઓની કમી નથી ત્યારે આ નવા સચિવાલય ખાતે ઝેરોક્ષ સેન્ટર ચલાવતા શખ્સ દ્વારા કરોડો રૃપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. અમદાવાદના ચાંદખેડા ખાતે રહેતા અમિત મહેન્દ્રભાઈ ભાવસાર દ્વારા નવા સચિવાલયમાં ઝેરોક્ષ સેન્ટર ચલાવતા શૈલેષ ભીખાભાઈ ઠાકોર સાથે સંપર્ક થયો હતો અને તેણે ઉપર સુધી ઓળખાણ હોવાનું કહીને વર્ગ ૩ની સરકારી નોકરી અપાવી દેશે તેમ કહી અલગ અલગ ૨૭ વ્યક્તિઓ પાસેથી ૧.૪૪ કરોડ રૃપિયા ઉઘરાવી લીધા હતા પરંતુ સરકારી નોકરી નહીં મળતા આખરે શૈલેષ ઠાકોર સામે ગાંધીનગરના સેક્ટર ૭ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો જેના પગલે પોલીસ દ્વારા આ શૈલેષ ઠાકોરની શોધખોળ શરૃ કરવામાં આવી હતી અને તે રાજકોટથી ગાંધીનગર તેના સસરાના ઘરે આવ્યો હોવાની માહિતી ગાંધીનગર એલસીબીને મળતા શૈલેષ ભીખાભાઇ ઠાકોર રહે- મકાન નંબર-૭૩/ સિતારામ પાર્ક, મોરબી રોડ, રાજકોટ. મૂળ વતન ગામ - ગોધાવી તા. સાણંદ જિલ્લો-અમદાવાદને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની કાર પણ કબજે કરી લેવામાં આવી છે અને વધુ પૂછપરછ શરૃ કરવામાં આવી છે. આ આરોપીને અન્ય કોઈ વ્યક્તિઓ સાથે ઓળખાણ હતી નહીં પરંતુ તેના મોજશોખ પુરા કરવા માટે ઓળખાણ હોવાનું કોઈને લોકો પાસેથી રૃપિયા ઉઘરાવી લીધા હતા. હાલ ઉઘરાવવામાં આવેલા રૃપિયા તેણે ક્યાં ક્યાં વાપર્યા અને ક્યાં રાખ્યા છે તે જાણવા માટે પોલીસ દ્વારા દોડધામ શરૃ કરવામાં આવી છે.


Google NewsGoogle News