વડોદરાઃ ડમી કંપનીઓ બનાવી વિવિધ રાજ્યોની ફાર્મા કંપનીઓને કરોડોનો ચૂનો ચોપડનાર ઠગ ઝડપાયો

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
વડોદરાઃ ડમી કંપનીઓ બનાવી વિવિધ રાજ્યોની ફાર્મા  કંપનીઓને કરોડોનો ચૂનો ચોપડનાર ઠગ ઝડપાયો 1 - image

વડોદરાઃ બોગસ આધારકાર્ડ,પાન કાર્ડ,સિમ કાર્ડ અને બેન્ક એકાઉન્ટના આધારે ડમી કંપની બનાવ્યા બાદ ફાર્મા અને કેમિકલ કંપનીઓને રૃ.૧૦ કરોડ થી વધુ રકમનો ચૂનો ચોપડનાર અમદાવાદના આંતરરાજ્ય ઠગને વડોદરા સાયબર સેલે ઝડપી પાડી છ દિવસના રિમાન્ડ લીધા છે.

વાઘોડિયારોડ વિસ્તારમાં રહેતા ફાર્મા કંપનીના સંચાલક હિરલ પટેલ સાથે રૃ.૨.૭૫ લાખની થયેલી ઠગાઇના કેસની તપાસ દરમિયાન સાયબર સેલના એસીપી હાર્દિક માંકડિયા અને ટીમે અમદાવાદમાં રહેતા ભેજાબાજ રાહુલ મનસુખભાઇ વાઘેલા(આર્ય વિલા પાર્ટી પ્લોય સામે,ન્યુ રાણીપ, અમદાવાદ)ને ઝડપી પાડતાં તેની પાસે એક જ ફોટા હોય પણ જુદાજુદા નામ-સરનામા હોય તેવા ત્રણ આધારકાર્ડ મળી આવ્યા હતા.

પોલીસની તપાસ દરમિયાન ત્રણેય આધારકાર્ડ મારફતે રાહુલ વાઘેલાએ ૨૯ સિમકાર્ડ મેળવ્યા હોવાની વિગતો ખૂલી હતી.પોલીસે રિમાન્ડ પર લઇ તેની પૂછપરછ કરતાં રાહુલ વાઘેલાએ બોગસ બેન્ક એકાઉન્ટ તેમજ અન્ય બોગસ ડોક્યુમેન્ટના આધારે ડમી કંપની ઉભી કરી અન્ય ફાર્મા અને કેમિકલ કંપનીઓ સાથે અંદાજે રૃ.૧૦ કરોડથી વધુ રકમની ઠગાઇ કરી હોવાની વિગતો ખૂલી છે.

ઠગ રાહુલ શરૃઆતમાં નાની રકમના ઓર્ડર લઇ પેમેન્ટ કરી દેતો હતો અને ત્યારબાદ મોટો ઓર્ડર લઇ તેના બદલામાં બે ત્રણ મહિના પછીનો ચેક આપતો હતો.આ ચેક રિટર્ન થતાં રાહુલ સામે ફરિયાદ નોંધાઇ હતી.

કાશ્મીર,મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ, યુપી અને હરિયાણામાં ચેક બાઉન્સના ગુનામાં વોન્ટેડ

કેમિકલ કંપનીમાં નોકરી દરમિયાન રાહુલ વાઘેલાએ ફાર્મા અને કેમિકલ કંપનીઓમાં ઓર્ડર આપવાની સિસ્ટમ જાણી લીધી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે,રાહુલ વાઘેલા કોમ્પ્યુટર એન્જિનિયર છે અને વર્ષ-૨૦૧૬માં મર્ક્યુરી એન્ટરપ્રાઇઝ કંપનીમાં નોકરી દરમિયાન ફાર્મા અને કેમિકલ કંપનીઓની પ્રોડક્ટ તેમજ ઓર્ડર વિશે જાણકારી મેળવી લીધી હતી.

રાહુલ વાઘેલાએ આપેલા ચેકો  બાઉન્સ થતાં તેની સામે અનેક સ્થળોએ કેસ થયા છે અને જમ્મુ કાશ્મીર,મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ,યુપી અને હરિયાણામાં આવા ગુનામાં તે વોન્ટેડ છે.

કોરોનામાં મૃત્યુ પામેલા મિત્રની આસ્થા કંપનીના નામે રૃ.૧ કરોડ ઠગી લીધા

આલ્કોન કંપનીનું બેન્ક ખાતું ખોલાવ્યું હતું,મુંબઇમાં દોઢ કરોડ અને હૈદરાબાદમાં ૩૫ લાખ પડાવ્યા

ઠગ રાહુલ વાઘેલાએ કોરોનામાં મૃત્યુ પામેલા મિત્રની કંપનીના નામે તેમજ અન્ય કંપનીના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી અનેક કંપનીઓ સાથે છેતરપિંડી કરી હોવાની વિગતો પોલીસને જાણવા મળી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,રાહુલ વાઘેલાનો મિત્ર સંજય આહુજાનું કોરોનામાં મૃત્યુ થતાં તેણે મિત્રની આસ્થા ટ્રેડિંગ કંપનીમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે કમલજીતસિંઘનો ફોટો એડિટ કરી તેની મદદથી બેન્ક એકાઉન્ટ પણ ખોલ્યું હતું.તેણે મુંબઇની તેજક કેમિકલ કંપની સાથે રૃ.એક કરોડની ઠગાઇ કરી હતી.

આવી જ રીતે કલ્પેશઅમીન નામની વ્યક્તિના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી આસ્થા ટ્રેડિંગ નામની કંપની અને બેન્ક એકાઉન્ટ ખોલ્યા હોવાની પણ વિગતો પ્રાપ્ત થઇ છે. તેની સામે નાસિકમાં રૃ.એક કરોડ,મુંબઇના પાઇંધો પોલીસ સ્ટેશનમાં રૃ.એક કરોડ,નાસિકમાં રૃ.૧ કરોડ,મુંબઇના આર કે માર્ગ પોલીસ સ્ટેશનમાં રૃ.૫૪ લાખ અને હૈદરાબાદમાં રૃ.૩૫ લાખના ઠગાઇના કેસ થયા હોવાની પણ માહિતી મળી છે.

મૃત મિત્રના આધારકાર્ડમાં પોતાનો ફોટો લગાવી સિમકાર્ડ મેળવ્યું

ભેજાબાજ રાહુલ વાઘેલાએ મૃત્યુ પામેલા સંજય નામના મિત્રના આધારકાર્ડ સાથે ચેડાં કરી પોતાનો ફોટો લગાવી દીધો હતો.તેણે મિત્રના આધારકાર્ડ પરથી સિમકાર્ડ પણ મેળવ્યું હતું.

2 વર્ષમાં બીજાના નામે 33 સિમકાર્ડ મેળવ્યા

સાયબર સેલના પીઆઇ ઝેડ એન ધાસુરા, બી એન પટેલ સહિતની ટીમ દ્વારા રાહુલ વાઘેલાની તપાસ કરાતાં બે વર્ષના સમયગાળામાં તેણે જુદાજુદા નામે ૩૩ સિમકાર્ડ મેળવ્યા હોવાની વિગતો જાણવા મળી છે.સાયબર સેલ રાહુલને શોધી રહેલી અન્ય રાજ્યોની પોલીસનો સંપર્ક કરનાર છે.


Google NewsGoogle News