બેન્કના મેનેજર તરીકે ઓળખ આપી ગોલ્ડ લોનના નામે 3 કરોડનું કરી નાખનાર ઠગ ઝડપાયો

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
બેન્કના મેનેજર તરીકે ઓળખ આપી ગોલ્ડ લોનના નામે 3 કરોડનું કરી નાખનાર ઠગ ઝડપાયો 1 - image


Vadodara Fraud Case : વડોદરાના માંજલપુર વિસ્તારમાં કેનેરા બેન્કના મેનેજર તરીકે ઓળખાણ આપી 3 કરોડથી વધુ રકમનું ઉઘરાણું કરી ફરાર થઈ ગયેલો ઠગ જાંબુઆ પાસે કારમાંથી પસાર થતો હતો ત્યારે પકડાઈ ગયો હતો.

ગોલ્ડ લોનનું ટાર્ગેટ પૂરું કરવાનું છે તેમ કહી ફસાવતો હતો

માંજલપુર વિસ્તારમાં રહેતા પરિચિતો અને મિત્રોને માંજલપુર કેનેરા બેન્કનો મેનેજર છું તેમ કહી ઓળખાણ આપતા વિશાલ જયંતીભાઈ ઠક્કર (મેપલ મીડોઝ, રિલાયન્સ મોલ પાસે, જુના પાદરા રોડ અને વેદાંત વિશ્રામ એપાર્ટમેન્ટ, જાંબુઆ, વડોદરા મૂળ રહે.ઉમંગ નગર 150 રીંગરોડ,રાજકોટ) નામના ઠગે અનેક લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હતા. ગ્રાહકો પાસે ગોલ્ડ લઈ જઈ પાંચ દિવસમાં લોન મળી જશે તેમ કહી કોરા ફોર્મ પર તેમજ સહીઓ લેનાર ઠગ લોનની રકમ જુદા-જુદા ખાતામાં ટ્રાન્સફર કરાવી ઉપાડી લેતો હતો.

રાજકોટ અને અન્ય શહેરોમાં ઠગાઈ કરી વડોદરામાં નામ બદલી રહેતો હતો 

ગોલ્ડ લોનના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર વિશાલ ઠક્કરનું સાચું નામ રવિ જયંતીભાઈ પેશાવરીયા (રાજકોટ) હતું. રાજકોટમાં જુના વાહનો નવા છે તેમ કહી લોકો સાથે ઠગાઈ કરતા રવિ સામે કેસ થયા હતા. જેને કારણે તેને લોન મળે તેમ નહીં હોવાથી ખંભાત આવી ગયો હતો અને ત્યાંથી વડોદરા રહેવા આવ્યો હતો. વડોદરામાં પણ તેણે જુના પાદરા રોડ તેમજ જાંબુઆ મકરપુરામાં બે સ્થળે સરનામા બદલ્યા હતા.

પરિચિતો પાસે 3 કિલો થી વધુ સોનું પડાવી, મકાન-દુકાન પર લોન લીધી

ઠગ વિશાલ ઉર્ફે રવિ એ એક મહિલા તેમજ અન્ય પરિચિતો પાસે ગોલ્ડ લોનના નાના મે ત્રણ કિલોથી વધુ સોનુ પડાવી લીધું હતું અને આ લોન ની રકમ ટ્રાન્સફર કરી લીધી હતી. આ ઉપરાંત મહિલા ને હાઉસિંગ લોન અપાવવાના નામે 24 લાખ તેમજ તેના પતિની દુકાન પર 10 લાખની લોન લઈ કુલ અઢી કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

ગોલ્ડ લોનનો ટાર્ગેટ પૂરો કરવાનો છે તેમ કહી 53 તોલા સોનું પડાવી લીધું 

ઠગે તેને એક ઓળખીતાને ફોન કરી મારે ગોલ્ડ લોનનો ટાર્ગેટ પૂરો કરવાનો છે તેમ કહી 23 તોલા સોનુ પડાવી લીધું હતું. જ્યારે આવી જ રીતે અન્ય એક ઓળખીતા પાસે 30 તોલા સોનું પડાવી લીધું હતું. આ રમો તેણે જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર કર્યા બાદ ઉપાડી લીધી હતી. 

જાંબુઆ પાસે કારમાં પસાર થતાં ઝડપાઈ ગયો 

લાંબા સમયથી ફરાર થઈ ગયેલા વિશાલ ઉર્ફે રવિ ઠક્કરને શોધવા માટે વડોદરા પોલીસ કામે લાગી હતી. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને તેના વિશે માહિતી મળતા જાંબુવા વિસ્તારમાં વોચ રાખી કારમાં પસાર થતો હતો ત્યારે ઝડપી પાડ્યો હતો.



Google NewsGoogle News