ત્રણ વર્ષ જૂના રેકોર્ડિંગને હાલનું બતાવી ફરિયાદ નોંધી
યુવકે પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ કરી
વડોદરા,મકરપુરા પોલીસ સ્ટેશનમાં ધમકીની નોંધાયેલી ફરિયાદ પોલીસે કોઇ તપાસ કર્યા વિના નોંધી હોવાનો આક્ષેપ ફરિયાદમાં આરોપી તરીકે દર્શાવાયેલા યુવકે પોલીસ કમિશનર કચેરીમાં કર્યો છે.
મકરપુરા જશોદા કોલોનીમાં રહેતો શૈલેષ ચીમનભાઇ પરમાર એક પેપરનો તંત્રી છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગત તા.૩જી નવેમ્બરે રાતે સાડા દશ વાગ્યે પ્રિયાંક રોહિતે તેના મોબાઇલ નંબર પરથી મારા મિત્ર ઘનશ્યામ પરમારને વોટ્સએપ પર કોલ કરી ધમકી આપી હતી કે, હું શૈલેષ પરમારના હાથ પગ ભાંગી નાંખીશ. તેમજ મને ગાળો બોલ્યો હતો. તે કોલનું મારા મિત્રે બીજા ફોનથી રેકોર્ડિંગ કર્યુ હતું.
આ અંગે પ્રિયાંક રોહિતે પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરી જણાવ્યું છે કે, ફરિયાદમાં જે કોલ રેકોર્ડિંગનો ઉલ્લેખ છે. તે રેકોર્ડિંગ ત્રણ વર્ષ જૂનું છે. મહિલાની અરજી અંગે અમે તેનો ઇન્ટરવ્યૂ લીધો હતો. તે સમયે મકરપુરા પી.આઇ.એ અમારી સાથે ગેરવર્તન કરતા તેની માહિતી પ્રસિદ્ધ કરી હોવાના કારણે અમારી વિરૃદ્ધ ખોટી ફરિયાદ કરી છે.