શ્રમજીવી પરિવારની સાડા ત્રણ વર્ષની બાળકી આઠ ફૂટ ઉંડા ખાડામાં પડી જતા મોત

ખેતર માલિકે પોતાના નોકરો માટે ઓરડી બાંધવા ખાડા ખોદ્યા હતા તેમાં બાળકી પડી ગઇ

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
શ્રમજીવી  પરિવારની સાડા ત્રણ વર્ષની બાળકી આઠ ફૂટ ઉંડા ખાડામાં પડી જતા મોત 1 - image

 વડોદરા,છાણી નજીક નવી બંધાતી કન્સટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમજીવી પરિવારની સાડા ત્રણ વર્ષની બાળકી રમતા રમતા બાજુમાં આવેલા ખેતરમાં જતી રહી હતી. જ્યાં ખેતર માલિકે ખોદેલા ખાડામાં બાળકી પડી જતા તેનું મોત થયું હતું. જે અંગે છાણી પોલીસે ખેતર માલિક સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, છાણી રામા કાકા ડેરી  પાસે  ગેલેક્સી બ્લીસ નામની નવી સાઇટનું બાંધકામ ચાલી રહ્યું છે. તે સાઇટ પર ત્રણથી ચાર શ્રમજીવી પરિવારો મજૂરી કામ કરે છે. આ સાઇટની બાજુમાં છાણી ગામ ઉંડા ફળિયામાં રહેતા હિતેન્દ્ર ઉર્ફે  હિતેશ અંબાલાલ પટેલનું ખેતર આવેલું છે. ખેતર માલિકે  પોતાના નોકરો માટે ખેતરમાં ઓરડીઓ બાંધવાનું કામ શરૃ કર્યુ હતું. ઓરડીઓ બાંધવા કોલમ ઉભા કરવા ખેતર માલિકે આઠ થી નવ ખાડા એક ફૂટ વ્યાસના અને ૮ ફૂટ ઉંડા ખોદ્યા હતા. તે ખાડા ખુલ્લા હતા. નવી બંધાતી સાઇટના શ્રમજીવી પરિવારની સાડા ત્રણ વર્ષની બાળકી ટપુર રાય  રમતા રમતા હિતેશ પટેલના ખેતરમાં જતી રહી હતી. આઠ ફૂટ ઊંડા ખાડામાં પડી જતા તેને બહાર કાઢવા માટે ફાયરબ્રિગેડની ટીમ બોલાવવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમે દોરડા વડે મહા મુસીબતે બાળકીને બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપી હતી. પરંતુ, સારવાર મળે તે પહેલા જ બાળકીનું મોત થયું હતું. જે અંગે બાળકીના  પિતાની ફરિયાદના આધારે છાણી પોલીસે ખેતર માલિક હિતેશ પટેલની ધરપકડ કરી  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



છેલ્લા બે મહિનાથી વડોદરા મજૂરી માટે પરિવાર આવ્યું હતું

 વડોદરા,મૂળ પશ્ચિમ બંગાળના પોશન  રાય તેની પત્ની અને સાડા ત્રણ વર્ષની બાળકી ટપુર સાથે છેલ્લા બે મહિનાથી છાણી વિસ્તારમાં નવી બંધાતી કન્સટ્રક્શન સાઇટ પર સળિયા સેન્ટિંગનું કામ કરતો હતો. અને સાઇટ પર જ કાચા મકાનમાં રહેતો હતો. બાળકીના મોતના પગલે પરિવારમાં શોક છવાઇ ગયો હતો. પિતાએ જણાવ્યું હતું કે, હું કસુરવારને છોડીશ નહીં. અને માતા પણ આક્રંદ કરતા બેભાન જેવી થઇ ગઇ હતી.






પુત્રીનો રડવાનો અવાજ સાંભળી માતા ખાડા પર પહોંચી


 વડોદરા,આજે સવારે પોશન રાય સાઇટ પર પોતાના ઝૂંપડામાં હતો. અને તેની સાડા ત્રણ વર્ષની પુત્રી ઘરની બહાર રમતી હતી. તેની  પત્ની આશાબેને બહાર જઇને જોયું તો તેમની પુત્રી દેખાઇ નહતી. જેથી, તેમણે પુત્રીની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન બાજુના ખેતરમાંથી દીકરીનો રડવાનો અવાજ  આવતા આશાબેન ત્યાં પહોંચી ગયા હતા. ઓરડી બાંધવા માટેના ખાડામાંથી પુત્રીનો રડવાનો અવાજ આવતા તેઓએ નજીક જઇને  જોયું તો તેમની પુત્રી ખાડામાં પડી ગઇ હતી. અને મમ્મી પપ્પાના નામની બૂમો પાડતી હતી.



ખાડામાં પડેલી બાળકીનું મોંઢું માટીમાં ખૂંપી ગયું હતું

મોંઢા પર માટી પડતા શ્વાસ રૃંધાવાના કારણે બાળકીનું મોત થયાની શક્યતા

 વડોદરા,આશાબેને  પોતાની પુત્રીને ખાડામાં  ફસાઇ ગયેલી જોઇને બૂમાબૂમ કરતા અન્ય શ્રમજીવીઓ પણ દોડી આવ્યા હતા. તેઓએ બાળકીને ખાડામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેઓ સફળ થયા નહતા. દરમિયાન ફાયરબ્રિગેડની ટીમ આવી પહોંચતા તેઓએ દોરડા વડે મહા મહેનતે બાળકીને બહાર કાઢી હતી.

ફાયરની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે બાળકી ઉંધા માથે ખાડામાં હતી. બાળકીનું મોંઢું માટીમાં ખૂંપી ગયું હતું. અને પગ ઉપરની સાઇડ પર હતા. દોરડાનો ગાળિયો બાળકીના પગમાં ભરાવી ફાયર જવાનોએ બાળકીને બહાર કાઢી હતી. મોંઢું માટીમાં ફસાઇ જતા શ્વાસ રૃંધાવાના કારણે બાળકીનું મોત થયું હોવાની શક્યતા છે.



ખેતરની તૂટેલી ફેન્સિંગમાંથી બાળકી અંદર જતી રહી


વડોદરા,પોલીસના જણાવ્યા અનુસાર, ખેતર માલિક હિતેશ પટેલે  પોતાના ખેતરની ફરતે તારની વાડ પણ બાંધી હતી. જેથી, કોઇ તેમના ખેતરમાં આવી ના જાય. પરંતુ, કોઇએ  તે ફેન્સિંગનો તાર તોડી નાંખતા બાળકી સાઇટ પરથી રમતી રમતી ખેતરમાં પહોંચી ગઇ હતી અને ખાડામાં પડી જતા તેનું મોત થયું હતું.



Google NewsGoogle News