અમદાવાદ,વડોદરા જેવા શહેરોમાં ચોરી કરતા ચોર પાસે 12 લાખની મત્તા મળી..આટલી ઇચ્છા પુરી કરવી હતી
બસમાં ફરીને જે શહેરમાં ચોરી કરવી હોય ત્યાં ચોરી કરેલા સ્કૂટરનો ઉપયોગ કરતો હતો,ચોરીના સાધનો મળ્યા
વડોદરાઃ કારેલીબાગ પાણીની ટાંકી નજીકથી પોલીસે ઝડપી પાડેલા એક ચોર પાસેથી સોના ચાંદીના દાગીના,રોકડ વગેરે મળી કુલ રૃ.૧૨ લાખ ઉપરાંતની મત્તા મળી આવી છ.
શહેરમાં ચોરીના બનાવો અટકાવવા માટે રીઢા ચોરો પર નજર રાખતી તેમજ શકમંદોને તપાસતી ક્રાઇમ બ્રાન્ચે કારેલીબાગના અમિત નગર વિસ્તારમાં સ્કૂટર પર જતા પરેશ સુરેશભાઇ સોની(શંખેશ્વર ટાઉનશિપ, હંસપુરા રોડ, નરોડા,અમદાવાદ)ને તપાસતાં તેની પાસેથી રૃ.સવા અગિયાર લાખની કિંમતના ઓગાળેલા સોનાચાંદીના દાગીના મળી આવ્યા હતા.
પરેશ સોનીની વધુ તપાસ દરમિયાન તેની પાસે મળેલું સ્કૂટર ચોરી કરેલું હોવાની વિગતો ખૂલી હતી.જેથી તેના ગુનાઇત ભૂતકાળ વિશે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આરજી જાડેજા અને હેતલ તુવરે તપાસ કરતાં તેણે અમદાવાદમાં ચોરી કરી હોવથી ત્રણ મહિના પહેલાં જ છૂટયો હોવાની અને છેલ્લા બે મહિનામાં તેણે વડોદરામાં અકોટા,ગોરવા અને બાપોદના ત્રણ મકાનોને નિશાન બનાવ્યા હોવાની વિગતો ખૂલી હતી.
પરેશ સોની પોતે સોની કામનો જાણકાર હોવાથી ચોરેલા દાગીના આસાનીથી વેચાઇ જાય તે માટે તરત જ ઓગાળી દેતો હતો.તેણે અમદાવાદ,આણંદ અને કલોલ ખાતે પણ ત્રણ ચોરી કર્યાની વિગતો જાણવા મળી હતી.પોલીસે તેની પાસેથી દાગીના ઉપરાંત રોકડા રૃ.૨૭૩૦,સ્કૂટર,મોબાઇલ અને ચોરી કરવા માટે ગણેશિયું,વાંદરીપાનું જેવા સાધનો કબજે કર્યા હતા.
બુલેટ લેવા માટે 50 હજાર ભર્યા હતા, વતનમાં મકાન બાંધવું હતું,લોન ભરવી હતી
ત્રણ મહિના પહેલાં જ જેલમાંથી છૂટીને આવ્યા બાદ ફરીથી ચોરીઓ કરનાર રીઢા ચોર પરેશ સોનીની પોલીસે પૂછપરછ કરતાં તેણે ચોરી કરેલી રકમમાંથી શું કરવું હતું તેની માહિતી પોલીસને આપી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે,રૃ.૧૨ લાખની મત્તા સાથે પકડાયેલા પરેશ સોનીએ કબૂલ્યું હતું કે,તેણે ચોરીની રકમમાંથી રૃ.૫૦ હજાર બુટેલ ખરીદવા માટે જમા કર્યા હતા.જ્યારે બાકીની રકમમાંથી વતનમાં મકાનનું બાંધકામ કરી લોન ભરપાઇ કરવી હતી.
તે દિવસે જ ચોરી કરવા માટે નીકળતો હતો.એક શહેરમાંથી બીજા શહેરમાં જવા માટે તે બસનો ઉપયોગ કરતો હતો.ચોરી કરવાની હોય તેની નજીકના સ્થળે ચોરી કરેલું સ્કૂટર મૂકી દેતો હતો અને ચોરી કર્યા બાદ ફરીથી સ્કૂટર કોઇ ત્રીજી જગ્યાએ પાર્ક કરીને ચાલ્યો જતો હતો.